.અંજાર-ભુજ હાઇવે પર રિવેરા હોટલ નજીક આજે સવારથી ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનો આ ઝુંબેશમાં જોડાયા હતા, જેમાં ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
– લકઝરી બસ, ટુવ્હીલર અને ફોરવ્હીલર સામે દંડની કાર્યવાહી કરાઈ…
ટ્રાફિક ઝુંબેશ દરમિયાન લકઝરી બસ, ટુવ્હીલર અને ફોરવ્હીલર વાહનચાલકોની ચકાસણી કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો અને કાયદાનું પાલન કરવા માટે સુચનાઓ આપવામાં આવી હતી. ટ્રાફિક ઝુંબેશ દરમિયાન મોટાભાગે ઓવરલોડ વાહન, હેલ્મેટ વગર બાઈક ચલાવતા ચાલકો, ફોગ લાઇટનો દુરુપયોગ કરતા વાહનો તેમજ અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
– જિલ્લા ટ્રાફિક પોલીસની મોટાપાયે હાજરી જોવા મળી…
આ ઝુંબેશમાં જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ., એ.એન. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન, કોન્સ્ટેબલ દાનાભાઈ, હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ, હીરાભાઈ અને ધર્મેન્દ્રસિંહ સહિતના પોલીસ જવાનો હાજર રહ્યા હતા. સાથે જ ગાંધીધામ ટ્રાફિક પોલીસ તેમજ સમગ્ર જિલ્લા ટ્રાફિક દળના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
– ટ્રાફિક શિસ્ત માટે પોલીસની કાર્યવાહી યથાવત રહેશે…
જિલ્લા ટ્રાફિક વિભાગે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આવી ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે જેથી લોકોમાં ટ્રાફિક શિસ્ત જળવાય અને અકસ્માતોનો ખતરો ટળી શકે.
અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334