ભુજ તાલુકાના નાના વરનોરા ગામે પતિએ પત્નીની નિર્મમ રીતે હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ નાના વરનોરા ગામે રહેતી ગુલસમ (ઉંમર ૧૯) તેના પતિ મોહસીન વહાબ મમણ સાથે ગામની સીમમાં આવેલી વાડીએ રહેતી હતી. ગુલસમના માતા-પિતા નજીકમાં જ રહેતા હતા. આજે સવારે ગુલસમની માતા દીકરીને મળવા વાડીએ પહોંચી ત્યારે ગુલસમ નજરે પડી નહોતી. શંકા જતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધ દરમિયાન મોહસીનની વાડીએ આવેલા કૂવા પાસે લોહીના ડાઘ જોવા મળ્યા હતા તેમજ કૂવાની અંદર પાણી પર કપડાં તરતાં નજરે પડ્યા હતા. કૂવો અંદાજે ૨૨ થી ૨૫ ફૂટ ઊંડો હોવાથી બપોરે ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ દોરડાની મદદથી કૂવામાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતાં માધાપર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે પતિ મોહસીને ધારદાર હથિયાર વડે ગુલસમનું ગળું કાપી નાખ્યું હતું અને ત્યારબાદ લાશને કૂવામાં ફેંકી દીધી હતી. ગુલસમ સંબંધે મોહસીનના સગા કાકાની દીકરી થતી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ અનુસાર મોહસીનને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની શંકા હતી અને આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા ચાલતા હતા. આ ઝઘડાઓમાં પત્ની અળખીલીરૂપ બનતી હોવાનું માનીને પતિએ હત્યા કરી નાખ્યાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપી મોહસીનને રાઉન્ડ અપ કરી લીધો છે અને પીઆઈ એ.કે. જાડેજા દ્વારા વિધિવત ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334
