રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગાંધીનગરમાં સીટના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક યોજાઇ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રીએ સખ્તાઇથી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. SIT ના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે, ફરી આવી ઘટના ના બને તેવી કડકમાં કડક અને ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેવી કાર્યવાહી કરવાની વાત કરી હતી. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, અમારી અંદર પણ આક્રોશ છે. રાજકોટ અગ્નિકાંડ મામલે સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગેમિંગ ઝોનમાં તત્કાલીન IPS-IAS અધિકારીઓની ગુલદસ્તા સાથેની તસવીરો પણ વાયરલ થઇ હતી. જે બાબતે SIT ના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, બધા જ IAS-IPS અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવા માટે ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી છે. એક-બે દિવસમાં તમામ અધિકારીઓને બોલાવીને કડકાઇથી પૂછપરછ કરવામાં આવશે. જેતે સમયે તસવીરોમાં જોવા મળતા તત્કાલીન જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, ડીસીપી ઝોન-1 પ્રવીણ મીના, એસપી બલરામ મીણા અને હાલના કચ્છ કલેકટર અને જેતે સમયે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, TRP ગેમ ઝોનના ગો-કાર્ટ રેસિંગ ટ્રેક પાસે રેસિંગ માટે ઊભા હોય તથા સંચાલકોએ આપેલા અથવા તો પોતે સંચાલકોને શુભેચ્છા આપવા લઈ ગયેલા બૂકે હાથમાં પકડેલા હોય એવી તસવીરો સામે આવી હતી.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334