ભચાઉ તાલુકાના કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે મીઠાના એક બંધ પડેલા કારખાના વિસ્તારમાં મીઠાના અગર મામલે થયેલી ગેંગવોરની ઘટનામાં ફાયરિંગ દરમિયાન ચાર ઈસમોને ઇજાઓ થયા બાદ એક ઈસમ દિનેશ ખીમજી કોળીનો રાજકોટ ખાતે સારવારના બીછાને મોત થયું હતું. શરૂઆતમાં રાયોટીંગ હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ 16 આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ પૂર્વ કચ્છ પોલીસની વિવિધ ટીમો દ્વારા આ ગેંગવોરમાં સંડોવાયેલા 16 આરોપીઓને પોલીસે પકડી લીધા બાદ સાંજે અદાલતમાં રજૂ કરતા 14 દિવસના રિમાન્ડની માંગણી સામે અદાલતે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પૂર્વ કચ્છ પોલીસના વિભાગ પોલીસ અધિક્ષક સાગર સાંબડાને સોપાયેલી તપાસ દરમિયાન પોલીસે (૧) બળદેવ ગેલા રાઠોડ રહેવાસી કાનમેર, (૨) દેવા કરસન ડોડીયા રહેવાસી કાનમેર, (3) વિરમ જખરા રબારી રહેવાસી ચિત્રોડ, (૪) વિજય રાયધણ કોલી રહેવાસી ખારીયાવાંઢ સઇ, (૫) દેવજી ઉર્ફે શક્તિ ડાયાભાઈ ડોડીયા રહેવાસી કાનમેર, (૬) અમૃત ઉર્ફે સબરો પાલા વાઘેલા રહેવાસી કાનમેર, (૭) ભરત દેવા ભરવાડ રહેવાસી કાનમેર, (૮) રાયધણ રવા કોલી રહેવાસી ખારીયા વાંઢ, (૯) ઈશ્વર કુંભા ચૌહાણ રહેવાસી કીડીયાનગર, (૧૦) બાબુ ઉર્ફે સતીશ કલા ભરવાડ રહેવાસી કાનમેર, (૧૧) ભરત રવા વાઘેલા, (૧૨) સવા રત્ના રબારી, (૧૩) રુપા ટપુ ભરવાડ, (૧૪) થાવર આંબા રબારી, (૧૫) લખમણ કલા ભરવાડ અને (૧૬) અજા ટપુ ભરવાડ રહેવાસી તમામ કાનમેર વાળા, આમ આ 16 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા બાદ ક્રેટા કાર સહિત કુલ ચાર વાહનો અને લાકડીઓ, ધારીયા, પાઇપ, જેવા હથિયારો કબ્જે કર્યા છે. દરમિયાન આ ગેંગવોરમાં દેવા કરસન ડોડીયાએ પિસ્તોલ અથવા રિવોલ્વરથી ફાયરિંગ કરેલ જેમાં ચાર ઈસમો ગાયલ થયા હતા જે પૈકી દિનેશ ખીમજી કોલી ગંભીર રીતે ઘાયલ થતાં તેને રાજકોટ રિફર કરાયો હતો જેનો સારવારના બીછાને મૃત્યુ થયું છે. આ ફાયરિંગમાં વપરાયેલ હથિયાર મળી આવેલ નથી અને આરોપી દેવા કરસન ડોડીયાએ રસ્તામાં ક્યાંક ફેંકી દીધું હોવાની હકીકત જણાવતો હોય આ હથિયાર કબજે કરવાનું બાકી હોય તેમજ આરોપી દેવા ડોડીયાએ આ હથિયાર કાનમેરના અલાદના સમા નામના મરણ ગયેલ વ્યક્તિ પાસેથી સાત વર્ષ અગાઉ ખરીદ્યાની હકીકત જણાવતો હોય આ હકીકત શંકાસ્પદ જણાઈ આવેલ છે તેમજ તેની પાસે કારતુસ કે દારૂગોળો ક્યાંથી આવતો હતો તે હકીકત પણ જાણવી જરૂરી છે તે ઉપરાંત આ આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાને અંજામ આપી ચૂક્યા હોય આ અંગેની હકીકત જાણવા માટે રિમાન્ડ જરૂરી હોય પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે નામદાર અદાલતે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ ઉપરાંત આ આરોપીઓ એવી હકીકત જણાવે છે કે તેઓ બધા કલેક્ટર શ્રી દ્વારા તેમને અપાયેલ કામ સંદર્ભે ઘટના સ્થળે ગયેલા પરંતુ કોઈ પણ વ્યક્તિ પોતાની ફરજ સ્થળે જાય તો સાથે હથિયારો લઈ જવાની શી જરૂર પડે આ જાણવું જરૂરી છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સજ્જડ પુરાવાઓ સાથે અદાલતમાં ધારદાર દલીલો કરાતા અદાલતે આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ ચકચારી અને ગેંગવોર જેવી ઘટનાની તપાસ પૂર્વ કચ્છ વિભાગીય પોલીસ અધિક્ષક સાગર સાંબડા જાતે ચલાવી રહ્યા છે. આ ઘટનામાં મગન સુજાભાઈ ગોહિલ રહેવાસી કાનમેર વાળાએ ફરિયાદ નોંધાવી છે જેમાં સંપૂર્ણ ઘટનાક્રમનું વર્ણન કરવામાં આવેલ છે. આ આખી ઘટના અને ગેંગવોર પ્રકરણમાં ઘુડખર અભ્યારણ વિસ્તારના જવાબદાર અધિકારીઓ જંગલ ખાતાના અધિકારીઓ વગેરેની ગંભીર અને ગુનાહિત બેદરકારી સામે આવી છે અગાઉ પણ અહીં મીઠાના અગર કબ્જે કરવા મામલે ધીંગાણા થઈ ચૂક્યા હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી જેના કારણે આવા જીવલેણ બનાવો થતા રહે છે એ પણ નોંધનીય છે કે, આ અગાઉ કચ્છ જિલ્લામાં જમીન મામલે સુરબા વાંઢ હત્યાકાંડ સર્જાયો હતો જેમાં નવ જણાના મોત થયા હતા તો દાયકાઓ અગાઉ કોલસા કૌભાંડ મામલે પાવર પટ્ટીમાં ધીંગાણું સર્જાયું હતું જેમાં કચ્છનાં એક રાજકારણી બાવજી જાડેજાની હત્યા થઈ ગઈ હતી. આમ કચ્છમાં સમયાંતરે ગેંગવોરના બનાવો બનતા રહ્યા છે અને મોટા ભાગના બનાવોમાં તંત્રની બેદરકારી કારણભૂત રહી છે જેમાં મોટા માથાઓ રાજકારણીઓ એસી, ચેમ્બરોમાં બેસીને પોતાનું કામ કરાવી લે છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334