તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી પ્રસંશનીય કામગીરી બજાવી…
અદાણી પોર્ટની ટીમે ફરી એકવાર સંકટ સમયની સાંકળ બની પ્રસંશનીય કામગીરી બજાવી છે. મુન્દ્રાના ઝીરો પોઈન્ટ નજીક લાગેલી આગ પર નિયંત્રણ મેળવી 11 જીંદગીઓનો આબાદ બચાવ કર્યો છે. અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના અગ્નિશામક વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 9 લોકોનો જીવ બચાવ્યા હતા…
તાજેતરમાં મુન્દ્રા ઝીરો પોઇન્ટ નજીક મોડીરાત્રે શોર્ટસર્કિટથી આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. ભયંકર ધુમાડાના ગોટેગોટા ચારેકોર પ્રસરી જતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. વળી આગ અને ધુમાડાના કારણે બિલ્ડીંગમાં ફસાયેલા લોકોના જીવ જોખમમાં આવી ગયા હતા. આશિષ આર્કેડ બિલ્ડીંગ્સની આસપાસના લોકો માથે પણ આગ વિસ્તારવાનું સંકટ મંડરાઈ રહ્યું હતું. તેવામાં અદાણી ફાયર સેફ્ટીની ટીમને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક તંત્રની મદદથી ફાયર સેફ્ટીની ટીમે કાબીલેદાદ કામગીરી કરી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ટીમ સામે પડકાર એ હતો કે તેઓ અંદર જઈ શકતા નહતા કારણ કે આગ બિલ્ડીંગના ગેટ પર જ લાગી હતી. જો કે સમજદારીપૂર્વક બારીમાંથી નિરસણી થકી બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી તેમને બચાવી લેવાયા હતા. અદાણી ફાયર સેફ્ટી વિભાગે મુશ્કેલીમાં મુકાયેલી 11 વ્યક્તિઓને સફળતાપૂર્વક બચાવી હતી. તેઓએ ફાયર સર્વિસીસની પોર્ટેબલ સીડી દ્વારા 7 યુવાનોને બહાર કાઢ્યા હતા અને બે ફાયર ઓપરેટર ને શ્વસન ઉપકરણ સાથે મોકલ્યા હતા જે ફસાયેલા એક પરિવારને સહાય પૂરી પાડવા માટે મદદરૂપ બન્યા હતા અને હિંમતપૂર્વક બે બાળકો સહિત એક પરિવાર (પતિ અને પત્ની)ને જોખમી પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા હતા. આગ પર નિયંત્રણ મેળવવા 9 કિલોગ્રામ ડ્રાયકેમિકલ, અગ્નિશામક અને 2 4.5 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામકનો પ્રયોગ કરાયો હતો. જો કે સંપુર્ણપણે આગ કાબુમાં ન આવતા વીજ પુરવઠો બંધ કરી પાણીના ધોધ થકી કાબુ મેળવાયો હતો. આગ લાગવાની મુશ્કેલ પરિસ્થિતીમાં જો અગ્નિશામક વિભાગે જરાય મોડુ કર્યુ હોત તો, 11 લોકોના જીવ સામે મોટુ જોખમ ઉભુ થવાની પૂરેપૂરી શક્યતાઓ હતી.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334