ગઢશીશા ગામે વૃદ્ધાની હત્યા કરી દાગીના લુંટી જનાર આરોપી એવીયેટર ગેમમાં રૂપિયા હારી જતાં ગઢશિશા આવીને કૃત્યને અંજામ આપ્યું…
માંડવી તાલુકાના ગઢસીસા ગામે ગુણવંતીબેન વલ્લભજી વીંછી વોરા નામની વૃદ્ધાની હત્યા સાથે લૂંટની બનેલી ચકચારી ઘટનામાં ડોમ્બીવલી ખાતેથી ભવ્ય પિયુષભાઈ ગડા નામના યુવકને પકડી પડાયા બાદ સ્થાનિક ગઢશીશા લાવ્યા પછી તેની ઘનિષ્ઠ પૂછપરછમાં આરોપી યુવક ભવ્ય ગડાએ ગુનાની કબુલાત કરી લીધી છે એ અંગેની માહિતી આપતા ગઢસીસા PI, ડી.એન. વસાવાએ જણાવ્યું હતું કે ગુણામાંની હત્યાને અંજામ આપનાર આરોપી યુવક ભવ્યને પકડી પાડવામાં આવ્યો છે પ્રાથમિક પૂછપરછમાં તે મોબાઈલ પર વેન વેબ નામની વેબસાઈટમાં આવતી એવીએટર નામની ગેમ રમતો હતો જે માટે ઘણા બધા રૂપિયા હારી ગયો હતો. આ ગેમમાં જુગારના રવાડે ચડી ગયેલા ભવ્યએ પોતાના પિતાના બેન્ક એકાઉન્ટમાંથી પણ રૂપિયા ચાર લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી આ રૂપિયા ગેમમાં લગાડ્યા હતા. જેમાં શરૂઆતમાં તેને સાત લાખ રૂપિયા મળ્યા બાદ વધુ લાલચમાં એ સાત લાખ ફરીથી ગેમમાં લગાડી દેતા તે આંટામાં આવી ગયો હતો બાદમાં તેણે પોતાના મિત્રો પાસેથી પણ રૂપિયા ૮૦ હજાર ઉછીના મેળવી ગેમમાં લગાવી દીધા હતા પરંતુ તે ગેમના આંટામાં ફસાઈ ગયા બાદ પિતા અને મિત્રોના પૈસે ગેમ રમતો રહ્યો હતો.
…પિતાના બેંક ખાતામાંથી ચાર લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી પિતાને પણ ચૂનો ચોપડ્યો હતો…
બાદમાં તેના મિત્રોએ પૈસાની ઉઘરાણી શરૂ કરતાં આખો ભાંડો ફૂટ્યો હતો અને તેને પિતાએ ઠપકો આપતા તે પોતાના ગઢસીસા રહેતા દાદી પાસે આવ્યો હતો અહીં આવ્યા બાદ દાદીના ઘરની સામે જ રહેતા ગુણવંતી બેનના ઘરે ગયો હતો અને ગુણવંતીબેનએ ભવ્યને જમવાનું પૂછતા તેણે જમવાની ના પાડી હતી પરંતુ ગુણામાંએ તેને દૂધ આપતા તે તેણે દૂધ પીધું હતું આ દરમિયાન તેના નજર ગુણામાંના શરીર પર પહેરેલા દાગીના પર જતા તેણે મનોમન ગુણામાંનું કામ તમામ કરી નાખવાનું નક્કી કરી દૂધનો કપ રસોડામાં જાતે મુકવા જતાં ગુણામાં રસોડામાં આવતા જ આરોપીએ તકનો લાભ લઇ રસોડાના ખૂણામાં માને નીચે પાડી ગળું દબાવી દીધું હતું અને બાદમાં મૃતકના શરીર પર પહેરેલ સોનાની ચેન, કાનની બુટ્ટી અને બંગડીઓ કાઢી લઈ પોતે ફ્લેટમાંથી બહાર આવી ફ્લેટને બહારથી તાળું મારી દાદીના ઘરે પહોંચી પોતાને મુંબઈથી ફોન આવ્યો છે કહી તત્કાલ તે મુંબઈ જવા માટે ભુજ તરફ રવાના થઈ ગયો હતો અને ભુજથી તેણે ટ્રેન પકડી લીધી હતી. આ તરફ ગુણામાંના ફ્લેટને બહારથી તાળું હોય કોઈને તે વખતે શક ગયો નહોતો પરંતુ બીજા દિવસે ગુણામાં ન દેખાતાં આ આખી હકીકતનો પર્દાફાશ થયો હતો અને શંકાની સોય ભવ્ય તરફ પહોંચી હતી અને તે મુંબઈના ડોમ્બિવલીથી પકડાઈ ગયો હતો. પકડાયેલ આરોપીને અદાલતમાં રજૂ કરી તેની વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવશે આમ આ આખી ઘટનાનો પર્દાફાશ થયો છે. આ આખી મનો વિકૃત અને ક્રિમિનલ ઘટનાનો શરમજનક વળાંક એ છે કે સામાન્ય રીતે કોઈ વિવાદ, મનદુઃખ કે ઝઘડામાં સમાધાન થતા હોય ત્યારે “દૂધપીણા” એટલે કે દૂધ પીવાતું હોય છે પરંતુ આ ઘટનામાં આરોપી ભવ્યએ ગુણામાંના હાથે લાગણી અને ભાવથી દૂધ પી ને બાદ આરોપીએ તેમનું જ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334