ભુજ નજીકના ભારાપર ગામે બે વર્ષ અગાઉ ફ્રિજ પર રાખેલો ફોન પડી જવાથી તૂટી જતા પોતાની પત્નીને જીવતી સળગાવી નાખનાર આરોપી પતિને અદાલતે આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. 6ઠ્ઠી મે 2019ના બપોરે બનેલી આ ઘટનાની વિગત એવા પ્રકારની છે કે આરોપી આમદ આેસ્માણ કુંભાર બનાવના દિવસે બપોરે ઘરે આવ્યો ત્યારે પોતાનો મોબાઈલ ફોન ફ્રિજ પર રાખ્યો હતો એ ફોન પત્નીને લાવવાનું કહેતાં આમદની પત્ની શરીફાબાઇ ફ્રિજ પર પડેલો ફોન ઉપાડી પતિને આપવા જતી હતી ત્યારે ફોન હાથમાંથી પડી જતા તૂટી ગયો હતો આ સામાન્ય ઘટનાને ગંભીર રૂપ આપીને આરોપી આમદે પત્ની શરીફાબાઈ પર હુમલો કરી તેની પર કેરોસીન નાખી જીવતી સળગાવી દીધી હતી. ગંભીર રીતે દાઝેલી શરીફાબાઇને ભુજ હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. પરંતુ શરીફાબાઇએ પોતાના નિવેદનમાં પોતાની સાથે બનેલી હકીકત જણાવતા આરોપી આમદ ઓસમાણ કુંભાર સામે ગુનો નોંધાયો હતો. બાદમાં શરીફાબાઇનું મોત નિપજતા આ ઘટના હત્યામાં પરિણમી હતી અને માનુકવા પોલીસ મથકે આરોપી સામે ગુનો નોંધાયો હતો આ કેસ ભુજની અધિક સેશન્સ કોર્ટના વિદ્વાન જજ સી.એમ.પવાર સમક્ષ ચાલી જતાં નામદાર અદાલતે બાર સાક્ષી અને દસ્તાવેજી પુરાવા ચકાસી બંને પક્ષના એડવોકેટને સાંભળી આખરે આરોપીને આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે યુવા ધારાશાસ્ત્રી વિપુલ કનૈયા, હેમાલી પરમાર, સહિદબીન આરબ, તથા મહેશ સીજુએ જ્યારે સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ દિનેશ ઠકકરે ધારદાર દલીલો કરી હતી.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334