સરકાર હસ્તકની પાવરગ્રીડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાની વીજલાઈન ખેતરોમાંથી પસાર નહીં કરવા દેવા મુદ્દે છેલ્લા થોડા સમયથી વિરોધ કરી રહેલાં નખત્રાણાના કોટડા જડોદર પંથકના ખેડૂતોએ આજના વિરોધના આંદોલનમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામના સીમાડા વિસ્તારમાં આવેલા ખેતરોમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વીજલાઈન પસાર થવાની છે.
જેને ખેડૂતો કોઈ પણ ભોગે આ લાઈન પસાર કરવા દેવાના મૂડમાં નહી આવે તેવું રૂપ આજે દેખાયું. અગાઉ સરકારી કંપનીએ આ વિસ્તારમાં સર્વે હાથ ધરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે ખેડૂતોએ એકઠાં થઈ તેમને પાછા વાળ્યાં હતા. તો ફરી પાછું આજે પોલીસ કાફલા સાથે વહીવટી તંત્રના અધિકારીઓએ સર્વેની કામગીરીને હાથ ધરવાનું પ્રયાસ કરાતાં ખેડૂતો અને પોલીસ વચ્ચે જબરદસ્ત ઘર્ષણ થયું હતું. ઉશ્કેરાટમાં આવેલા ખેડૂતો પોલીસ અને સરકારી અધિકારીઓ સામે આરોપબાજી કરવા લાગ્યા હતા. આ ઘર્ષણ વધુ તીવ્ર થાય એની પહેલા વિરોધ કરી રહેલાં 60થી 70 જેટલાં ખેડૂતોની અટકાયત કરીને પોલીસ અબડાસાના નલિયા મથકે લઈ ગઈ હતી. જે વાત જાણવા મળતા ગામની મહિલાઓ પણ રણચંડી બનીને રસ્તા પર ઉતરી ગઈ હતી. ભુજ-લખપત હાઈવે પર ટ્રેક્ટરો ગોઠવીને મહિલાઓ અને ગ્રામજનોએ માર્ગો પર બેસી જઈને હનુમાન ચાલીસા અને ભજન કીર્તન ગાવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે હળવો લાઠીચાર્જ કરી ચક્કાજામ વિખેરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળું વીખેરાયું નહોતું. છેવટે અટકાયત કરેલાં લોકોને મુક્ત કરી દેવાયાં બાદ સવારે 11 વાગ્યાથી બંધ થયેલો માર્ગ સાંજે 5 વાગ્યે ખુલ્યો હતો. આંદોલનના પગલે જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ પણ દોડી આવ્યાં હતા.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334