વર્ષ 2014માં થયેલી ઠગાઇ અંગેની ફરિયાદ વર્ષ 2017માં ભુજ એલસીબી સમક્ષ અપાયા છતાં ગુનો નોંધાયો ન્હોતો. રાજકોટ રહેતા અને ઔટોમોબાઇલ વ્યવસાય સાથે સંકળાયેલ એક વેપારીએ ભુજના કુખ્યાત ચીટર અબ્દુલ કાસમ બજાણીયા સહિત ત્રણ સામે ૯૦ લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. રાજકોટના કુવાડવા રોડ પર રહેતા અને ઔટોમોબાઇલ વ્યવસાય કરતા જયદીપ ચંદુભાઈ પીપળીયાએ ભુજ એ/ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેની સાથે ભુજના કુખ્યાત ચીટર અબ્દુલ બજાણીયાએ વર્ષ 2014માં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાનું કહીને તારીખ 21/8/2014 થી તારીખ 15/9/2014 સુધીના ગાળા દરમિયાન રૂપિયા 90,00,000 મેળવી લઈ ઠગાઈ કરી હતી. જયદીપના જણાવ્યા પ્રમાણે તે ધોલેરાના ઓમદેવસિંહ ચુડાસમાના સંપર્કમાં આવ્યો હતો ત્યારે બાદ સસ્તા ભાવનું સોનું લેવા જયદીપે ઈચ્છા વ્યક્ત કરતા ઓમદેવસિંહ ચુડાસમાએ જયદીપને ભુજના ચિટર અબ્દુલ બજાણીયા સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. અબ્દુલ બજાણિયા તેના સાગરિત સુલતાન સહિત ત્રણે જણાએ જયદીપને 90 લાખમાં ઉતારી નાખ્યો હતો. આ રીતે ચિતિંગ થયા પછી જયદીપ પીપળીયાએ વર્ષ 2017 ભુજ આવીને ભુજ એલસીબીના તત્કાલિન પી.આઈ. પાસે પોતાની સાથે થયેલ ઠગાઈ અંગે ફરિયાદ રૂપે અરજી આપી હતી પરંતુ તત્કાલીન એલસીબી પી.આઈ. અને પોલીસ કર્મચારીઓ મળી જયદીપ અને ભુજના ચિટર અબ્દુલ બજાણિયા સાથે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી અને અબ્દુલ બજાણીયાને બોલાવી જયદીપ સાથે સમાધાન કરાવી પૈસા પાછા મળી જશે તેવો દિલાસો આપી જયદીપને રવાના કરી દીધો હતો. પરંતુ ફરિયાદીને અત્યાર સુધી આરોપીએ કોઈ પૈસા પરત ન આપતા આખરે ફરિયાદી પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભસિંગ પાસે આવી રજૂઆત કરતા એસ.પી. સૌરભસિંઘે આ ચિટર અને જે તે સમયના પોલીસ કર્મચારીઓ અધિકારીઓ સામે કડક રહે આગળ વધતા આજે આરોપી અબ્દુલ બજાણીયા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે. આ ચકચારી પ્રકરણમાં સવાલ એ થાય છે કે ફરિયાદી સાથે આટલી મોટી ઠગાઈ થયા છતાં જે તે વખતે ગુનો નોંધવાના બદલે આરોપીને છાવરનાર જવાબદાર પોલીસ અધિકારી અને આ પ્રકરણમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર જે કોઈ પોલીસ કર્મચારીઓ હોય તેમની સામે પગલાં લેવાસે કે કેમ..? કારણ કે પોલીસે આરોપીની સામે ગુનો દાખલ કરવું જોઈએ તેની જગ્યાએ જે તે સમયના અધિકારીએ આ પ્રકરણના આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યાનો સ્પષ્ટ થાય છે ત્યારે આ પ્રકરણની તટસ્થ તપાસ કરીને જવાબદારો સામે પણ કાયદેસરના પગલાં લેવા જરૂરી છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334