રાપર ખાતે ગઈકાલે સાંજે જાણીતા વકીલ દેવજીભાઈ મહેશ્વરીની સરા જાહેર થયેલી હત્યા મામલે નવ ઈસમો સામે ગુનો નોંધાયો છે જેમાં જિલ્લા પંચાયત અધ્યક્ષના ભાઈ ઉપરાંત રાપર નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષના પુત્ર સહિત નવ જણાનો સમાવેશ થાય છે. મૃતક દેવજીભાઈ મહેશ્વરીના પત્ની વ્યવસાયે શિક્ષિકા મીનાક્ષીબેન દેવજીભાઈ મહેશ્વરીએ રાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના પતિ દેવજીભાઈની લુહાર સમાજ વાડીના વિવાદ મામલે હત્યા થઈ છે અને દેવજીભાઈની હત્યા સોપારી આપીને કરાવાઈ છે તેવો આરોપી મૂકી દેવજીભાઈના પતિની હત્યા મામલે નવ જણા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં દેવજીભાઈની હત્યા કરનાર (ફરિયાદમાં લખાવ્યા પ્રમાણે) (1) ભરત જયંતીલાલ રાવલ રહે. પીપરાળા તાલુકો સાંતલપુર, (2) જયસુખ લુહાર, (3) ખીમજી લુહાર, (4) ધવલ લુહાર, (5) દેવુભા સોઢા, (6) વિજયસિંહ સોઢા, (7) મયુરસિંહ સોઢા, (8) પ્રવીણસિંહ સોઢા અને (9) અર્જુનસિંહ સોઢાનો સમાવેશ થાય છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે દેવજીભાઈ ગઈકાલે લુહાર સમાજ વાડીના કેસ મામલે ભુજ ગયા હતા ત્યાંથી તેઓ બપોરે પરત આવ્યા બાદ સાંજે પોતાની ઓફિસે જતા હતા ત્યારે ઓફિસ નીચે પાઉભાજીની લારી પાસે તેમની હત્યા થઈ ગઈ હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત ૧૬મી સપ્ટેમ્બર લુહાર સમાજ વાડીનું તાડુ તોડવા મુદ્દે ડખો થયો હતો અને તે વખતે જયસુખ લુહાર ઉપરાંત ખીમજી લુહાર, ધવલ લુહાર, દેવુભા જસુભા સોઢા, પ્રવીણસિંહ સોઢા, વિજયસિંહ હઠુભા સોઢા, આ તમામ સામે ગુનો નોંધાયો જ્યારે સામાપક્ષે જયસુખ લુહારએ પણ સાત જણા સામે ગુનો નોંધાવ્યો હતો આમ લુહાર સુથાર સમાજ વાડીનો મુદ્દો વિવાદિત રહ્યો હતો જેનો કેસ કોઈ હાથમાં લેવા તૈયાર નહોતો ત્યારે દેવજીભાઈ આ કેસ હાથમાં લીધો હતો જેના કારણે દેવજીભાઈ સામે રાગદ્વેષ રાખીને આરોપીઓએ પ્લાન ઘડી પીપળાના ભરત રાવલને હાથો બનાવી દેવજી ભાઈની હત્યા કરાવી નાખી છે એવા મતલબની ફરિયાદ નોંધાયા બાદ રાપર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાપર ખાતે બનેલી હત્યાની આ ઘટનાના સમગ્ર કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે જેને લઇને કચ્છ બનાસકાંઠા પાટણ બોર્ડર રેન્જના આઈ.જી. શ્રી મોથાલીયા, પુર્વ કચ્છ એસપી. મયુર પાટીલ, એસ.સી.એસ.ટી, ના ડી.વાય.એસ.પી, વી.આર. પટેલ સહિત પોલીસ કાફલો રાપર દોડી ગયો હતો અને રાપરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બનાસકાંઠા પાટણ અને કચ્છથી પોલીસ કાફલા સહિત એસ.આર.પી.ની ચાર કંપનીની પણ તૈનાત કરી દેવાઈ છે નોંધનીય છે કે દેવજી ભાઇની હત્યાના સમગ્ર કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને આરોપી ઝડપથી પકડાય તેવી માંગ સાથે ઠેરઠેર પ્રદર્શન પણ કરાયા છે પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને સમગ્ર કચ્છમાં સાવચેતીના પગલા લીધા છે.
પ્રકાશિત નિતેશ ગોર : 9825842334