1.61 કરોડના જથ્થા સાથે ત્રણ ઈસમોની ધરપકડ…
દુબઈથી ગેરકાયદેસર રીતે અન્ય વસ્તુઓની આડમાં દાણચોરીથી ભારતમાં સોપારી ઘુસાડવાના ગત વર્ષે ખુલેલા મોટા કૌભાંડમાં કેટલાક ખાખી ધારીઓની ભૂંડી ભૂમિકા બહાર આવી હતી અને ચારથી પાંચ વાઈટ કોલર ગણાતા સોપારી દાણચોરોની ધરપકડ થઈ હતી, એ ચકચારી સોપારી કાંડ બાદ ફરી એક વખત દુબઈથી અન્ય વસ્તુઓની આડમાં સોપારી આયાત કરાયાનો પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પર્દાફાશ કરાયો છે. પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ., એન.એન. ચુડાસમા રેન્જ આઇ.જી શ્રી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસ.પી., સાગર બાગમારેની સુચના અને માર્ગદર્શન હેઠળ ગાંધીધામ નજીકના ચુડવા પાસે બે કન્ટેનરોને કબજે કરી તેની તલાસી લેવાતા અન્ય વસ્તુઓની આડમાં આયાત કરાયેલ 1.61 કરોડથી વધુ કિંમતની સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ સોપારીનો જથ્થો દુબઈથી “એફ,એન, ઇન્પેક્ષ” નામની પેઢી દ્વારા “સિંધા નમક”ના નામે મંગાવાયો હતો દુબઈથી “સિંધા નમક”ના નામે આવેલ આ સોપારીનો જથ્થો બે અલગ અલગ કન્ટેનરમાં ભરીને જુનેદ યાકુબ નાથાણી મેમણ, રહેવાસી ગાંધીધામ વાળાએ મોકલ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચએ આ મામલે જુનેદ યાકુબ નાથાણી રહેવાસી સપના નગર ગાંધીધામ ઉપરાંત બાબુલાલ કાનારામ ગુજ્જર રહેવાસી નસીરાબાદ રાજસ્થાન અને વિશાલ ફૂલચંદ જાટવ રહેવાસી આજમગઢ ઉત્તર પ્રદેશવાળાને પકડી પાડી તેમની પૂછપરછ કરાતા વધુ બે નામ ખુલ્યા છે જેમાં નજીરાબેન જાવેદ નાથાણી રહેવાસી ગાંધીધામ અને રિયાઝ રહેવાસી અંધેરી મુંબઈ વાળાઓના નામ ખુલતા આ તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સોપારી કાંડ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરાય છે જ્યારે એક મહિલા સહિત બે આરોપીઓના નામ ખુલતા તેમને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. નોંધનીય છે કે કચ્છના કંડલા મુન્દ્રા બંદર પર અવારનવાર ગેરકાયદેસર રીતે દાણચોરીથી સોપારીનો જથ્થો ઝડપાતો રહ્યો છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334