રૂપિયા ચાર કરોડની ખંડણી માટે ઢોરીના આશાસ્પદ આહિર યુવાનનો જીવ લેનાર કચ્છ જિલ્લામાં ચકચારી હનીટ્રેપનું ષડયંત્ર રચના મુખ્ય સૂત્રધાર મનાતી મનીષા ગૌસ્વામીને પાલારા જેલની અંદર મોબાઈલ સીમકાર્ડ પહોંચાડનાર ભુજના વધુ એક વકીલની ધરપકડ કરી લેવાઇ છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની ગુના શોધક શાખા દ્વારા અપાયેલ સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ચાર કરોડની ખંડણી વસૂલવા માટે ઢોરીના દિલીપ આહીર નામના શ્રીમંત યુવાનને હની ટ્રેપમાં ફસાવવા પાલારા જેલમાંથી ષડયંત્ર રચાયાની હકીકત સાથે પાલારા જેલમાં બંધ અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના આરોપ સહિત અનેક ગુનામાં આરોપી મનીષા ગૌસ્વામીએ પાલારા જેલમાં બેઠે બેઠે મોબાઈલ ફોન દ્વારા આખું નેટવર્ક ગોઠવવાની હકીકત બાદ તપાસમાં મનીષા ગૌસ્વામીને મોબાઇલ સીમકાર્ડ પહોંચાડનાર ભુજના વકીલ આસિફઅલી અબ્દુલ કયુમ અન્સારીનું નામ ખુલતાં ગુના શોધક શાખા પી.આઇ.એ આસિફઅલી અન્સારીની ધરપકડ કરી હતી આસિફ અલીની ધરપકડ સાથે તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઇ છે અને આવતીકાલે તેને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન આસિફ અલીની ભૂમિકા ક્યાં સુધી છે અને મનીષાને મોબાઈલ સીમકાર્ડ શા માટે આપ્યો તેની હકીકત જાણવાની કોશિશ કરાશે. આસિફ અલી અન્સારીની ધરપકડ સાથે અત્યાર સુધી આ મામલામાં ત્રણ કાયદા નિષ્ણાતો એટલે કે વકીલોની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે બે વકીલ કોમલ જેઠવા અને આકાશ મકવાણા ફરાર છે એટલે કે અત્યાર સુધી આ હાઈ પ્રોફાઈલ હની ટ્રેપ કાંડમાં પાંચ વકીલોની સંડોવણી ખુલી ચૂકી છે ત્યારે આવા ગંભીર ગુનાઓમાં કાયદા નિષ્ણાંત એવા વકીલોની સંડોવણીએ અનેક સવાલો ઊભા કર્યા છે. આવા ક્રિમિનલ માઈન્ડેડ વકીલોના કારણે સમગ્ર વકીલ આલમ બદનામ થાય છે ત્યારે આવા ક્રિમિનલ માઈન્ડેડ વકીલોની સનદ રદ કરવા બાર એસોસિએશન દ્વારા માંગણી થવી જોઈએએ સમયનો તકાજો છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334