રાજકારણના પ્રભાવમાં આવી જનાર અધિકારીઓ દ્વારા આવી ગંભીર ક્ષતિઓ થતી રહી છે
તાજેતરમાં કાશ્મીરમાં PMO અધિકારીની ઓળખ આપીને VVIP સુરક્ષા સાથે સલામતી તંત્રો સહિત અનેક સરકારી વિભાગોને ચૂનો ચોપડનાર ગુજરાતના અમદાવાદનો કિરણ પટેલ નામનો યુવાન પકડાયો છે એ યુવાનને હવે ગુજરાત ATS દ્વારા કબજો મેળવીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે. ગંભીર ગણાય તેવી સલામતી તંત્રો સહિત સરકારના વિવિધ વિભાગોની બેદરકારી આ ઘટના પરથી સામે આવી છે. આ સલામતી તંત્રોની ગંભીર બેદરકારીની દેશમાં પ્રથમ ઘટના નથી આ અગાઉ આ રીતે મિસ્ટર નટવરલાલ જેવા મહાઠગો દ્વારા અનેક જગ્યાએ સરકારી તંત્રને ઉલ્લુ બનાવાયા છે. કચ્છમાં વર્ષ 1999’માં બનેલી એક ઘટનાની યાદ તાજી થઈ છે જેમાં રાજીવ કુમાર નામનો એક દિલ્હીનો મહાઠગ પોતાના ત્રણ સાથીદારો સાથે ભુજ આવ્યો હતો, અહીં આવ્યા બાદ ભુજના સર્કિટ હાઉસમાં દિલ્હીના ઉચ્ચ અધિકારીના નામે રોકાણ કર્યા બાદ ભુજમાં તેને VVIP સુરક્ષા અપાઈ હતી અને તેના દ્વારા અલગ અલગ સ્થળે મીટીંગો કરાઈ હતી જેમાં તેની VVIP સુરક્ષા ઉડીને આંખે પડી હતી, એ યુવાન બહાર નીકળતો ત્યારે તેને તત્કાલીન કચ્છ પોલીસ પ્રશાસન દ્વારા એસ્કોર્ટ પેટ્રોલિંગ સલામતી સાથે સુરક્ષા અપાઈ હતી. સંભવત તે વખતે કચ્છના SP તરીકે કેશવ કુમાર હતા, એ સમયમાં હોસ્પિટલ રોડ પર આવેલ શાંતિનિકેતન હોલ ખાતે એ વ્યક્તિ દ્વારા પબ્લિક સાથે એક મીટીંગનું આયોજન કરાયું હતું, એ મિટિંગમાં કચ્છ કાનૂન એન્ડ ક્રાઈમના એડિટર એટલે કે (કાંતિભાઈ ગોર) તે વખતે સ્થાનિક દૈનિક (કચ્છ ઉદય)માં ફરજ બજાવતા હતા, ત્યારે શાંતિનિકેતન હોલ ખાતે સંબંધીત રાજીવ કુમાર નામના દિલ્હીથી આવેલા અને અહીં VVIP સુરક્ષા મેળવનાર સાથે પ્રશ્નોત્તરી દરમિયાન રાજીવ કુમાર શંકાનાં ઘેરામાં આવતા અને પૂછાયેલા પ્રશ્નનો સંતોષકારક જવાબ ન આપી શકતા. તત્કાલીન SP કેશવ કુમારનું ધ્યાન દોરી એ VVIP સુરક્ષા મેળવનાર રાજીવકુમારની કુંડલી ચકાસવા જણાવતા કેશવ કુમારશ્રીએ રાત્રે આ અંગે રાજીવ કુમારની તસ્વીર સાથે દિલ્હી પોલીસ પાસેથી વિગતો માંગતા સન સનીખેજ ખુલાસો થયો હતો, અને તાત્કાલિક અસરથી રાજીવ કુમારને અપાયેલ VVIP સુરક્ષા પરત ખેંચી લેવાઈ હતી, ત્યારે એ રાજીવ કુમાર અને તેના સાથીદારો રાતોરાત ભુજ મૂકી ગયા હતા. બાદમાં તપાસ કરાતા રાજીવકુમાર દિલ્હીનો મહા ઠગ નીકળ્યો હતો. રાજીવકુનાર તે વખતે પોતાની NGO’માં સભ્ય બનાવનારને ઓળખ કાર્ડ આપવા 10,000/-ના ઉઘરાણાં કરતો હતો. આ રીતે અવારનવાર દેશમાં આવા મહાઠગોના કારનામા બહાર આવતા રહ્યા છે ખરેખર સલામતી તંત્રોએ રાજકારણની શેહમાં આવ્યા વિના કોઈપણ વ્યક્તિને સુરક્ષા સહિત સુવિધાઓ આપતા પહેલા પોતાની રીતે પૂરી જાંચ તપાસ કરવી જોઈએ. આવી ગંભીર બેદરકારી ક્યારેક ગંભીર પરિણામો સર્જી શકે છે, એ સલામતી તંત્રોએ વિચારવું જોઈએ.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334