ચકચારી એવા લાયજા નજીક આવેલ જમીન કૌભાંડ મામલે આખરે આજે CID ક્રાઇમ દ્વારા વિધિવત રીતે ગુનો દાખલ કરી ત્રણ સૂત્રધારો પૈકી એક આરોપીની ધરપકડ કરી લેવાઇ છે. જાણવા મળતી માહિતી પ્રમાણે કચ્છમાં બહુચર્ચિત લાયજા જમીન કૌભાંડ મામલે હાઇકોર્ટ દ્વારા ગુનો દાખલ કરવાની સૂચના બાદ આજે વિધિવત રીતે સંબંધિત જમીન કૌભાંડ મામલે પ્રભુ રામ ગઢવી, જમીન દલાલ રમેશ ગુસાઈ અને કરસન કેસવ ગઢવી એમ ત્રણ ઈસમો સામે વિધિવત રીતે FIR દાખલ કરાઇ હતી એ સાથે જ CID ક્રાઇમ દ્વારા ભુજમાં આવેલા પ્રભુ રામ ગઢવીની ધરપકડ કરી લેવાઈ છે. નોંધનીય છે કે આ કથિત કૌભાંડ મામલે ડુંમરાના જયંતિ ઠક્કરના ભાણેજ મૂળ વાયોરના પરંતુ આદિપુર રહેતા કુશલ મુકેશ ઠક્કરે રૂપિયા 4.67 કરોડની ઠગાઈ થયાની ફરિયાદ આપી હતી તો આ ફરિયાદના મામલે અનેક પ્રકારના ચડાવ-ઉતાર પણ આવ્યા છે જેમાં આ ઠગાઈ મામલે જે તે સમયે મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર ચારણ ગઢવી સમાજના પ્રમુખ વિજયભાઇ ગઢવીને પણ ધમકી અપાયાની ઘટના થોડા દિવસ પહેલા જ બની હતી. હવે આ મામલે વિધિવત રીતે ગુનો દાખલ થયાની સાથે મુખ્ય સૂત્રધાર મનાતા પ્રભુ રામ ગઢવીની ધરપકડ થતાં આગામી દિવસોમાં આ પ્રકરણ ફરી ચકચાર સર્જે તેવી શક્યતા જોવાઈ રહી છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334