ભુજ તાલુકામાં આવેલ ચુબડક ગામની સીમમાં સરપંચના પુત્ર દ્વારા ચલાવાતી જુગારની હરતી-ફરતી ક્લબ પર પશ્ચિમ કચ્છ LCBએ અડધા લાખથી વધુની રોકડ સાથે 8 શખ્સોને ઝડપી લીધા છે. પડેલા દરોડા સમયે ક્લબનો મુખ્ય સૂત્રધાર હુસેન જુમા પારા (રહે. ચુબડક) હાજર મળ્યો નહોતો પરંતુ જુગાર રમાડી પૈસા ઉઘરાવતા તેના ભત્રીજા મહેબુબને પોલીસે દબોચી લીધો હતો. બાતમીના પગલે LCBએ ગત સાંજે ચુબડક-ગંઢેર ગામની પાદરે આવેલ ધાર્મિક જગ્યાથી થોડે દુર જંગલ વિસ્તારમાં રેઈડ કરી ધાણીપાસાથી જુગાર રમતાં 8 શખ્સોને ઝડપી પાડ્યાં હતા. ઝડપાયેલાં શખ્સોમાં (1) ધર્મેન્દ્ર મનસુખલાલ અધેડા જામનગર, (2) ગજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાવ ગાંધીધામ, (3) મહેન્દ્ર દેવસી પ્રજાપતિ અંજાર, (4) દિલીપ ઉર્ફે બટુક બાબુલાલ વ્યાસ અંજાર, (5) રામ ઘનશ્યામ કોટવાણી ગાંધીધામ, (6) હનીફ ભચુ શોઢા મીઠી રોહર ગાંધીધામ, (7) ગોવિંદ બાબુલાલ મહેશ્વરી ગાંધીધામ, (8) મહેબૂબ ગની પારા ચુબડક તા. ભુજનો સમાવેશ થાય છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આ જુગારક્લબ હુસેન જુમા પારા ચલાવતો હતો અને તે ચુબડક ગામના સરપંચ જુમા પારાનો પુત્ર છે. તો તેનો ભત્રીજો મહેબુબ જુગારીઓ પાસેથી નાલ ઉઘરાવતો હતો. સ્થળ પરથી પોલીસે 56 હજાર 400ની રોકડ અને 15,200ના ચાર મોબાઈલ મળી 71 હજાર 600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી-મુદ્દામાલ પધ્ધર પોલીસ મથકે સુપ્રત કરી તેમની સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આ કામગીરીમાં LCB પીઆઈ એસ.જે.રાણા અને P.S.I. એચ.એમ.ગોહિલ તેમજ સ્ટાફ જોડાયો હતો.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334