Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

પંજાબથી કચ્છ સુધીના ડ્રગ્સના નેટવર્કમાં ભુજ કોર્ટે પાંચ પંજાબી આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી : એક એક આરોપીને રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો…

સમગ્ર કચ્છમાં ભારે ચકચાર મચાવનાર હેરોઇન કેસમાં ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ NDPS કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પંજાબ રાજ્યમાંથી કરોડો રૂપિયાનું ગેરકાયદેસર માદક પદાર્થ (હેરોઇન) લાવી કચ્છ જિલ્લામાં ઊંચા ભાવે વેચવાના કાવતરામાં સંડોવાયેલા પાંચેય આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ તથા પ્રત્યેકને 2 લાખના દંડની સજા ફટકારી છે. આ કેસની શરૂઆત 13 જુલાઈ, 2023ના રોજ થઈ હતી, જ્યારે ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને ખાનગી બાતમી મળી હતી કે સફેદ રંગની કારમાં સવાર પંજાબના કેટલાક શખ્સો મોટી માત્રામાં હેરોઇન ડ્રગ્સ લઈને કચ્છમાં ગ્રાહકોની શોધમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે SOGની ટીમે ડમી ગ્રાહક ગોઠવી માધાપર નજીક વોચ ગોઠવી હતી. પોલીસે ડ્રગ્સ સપ્લાયરોને રોકવાનો પ્રયાસ કરતાં કારચાલકે વાહન ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ફિલ્મી દ્રશ્યો સર્જાતા જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસે કારના ટાયર પર ફાયરિંગ કરી વાહનને રોક્યું હતું. તપાસ દરમિયાન કારમાંથી અંદાજે 420 ગ્રામ હેરોઇન, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 2 કરોડ હોવાનું જણાવાયું હતું જે કબ્જે કરવામાં આવ્યું હતું. સાથે જ પાંચેય પંજાબી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં સામે આવ્યું હતું કે તમામ આરોપીઓ મરગીન્દપુરા, તાલુકો પટ્ટી, જિલ્લો તરનતારન (પંજાબ)ના રહેવાસી છે. આ કેસમાં આરોપી તરીકે (1) રણજીતસિંઘ જરગાનસિંઘ જાટ (30 વર્ષિય), (2) હરપ્રિતસિંઘ જસવિંદરસિંઘ જાટ (27 વર્ષીય), (3) સરતાજસિંઘ ઉર્ફે સતરાજસિંઘ રસપાલસિંઘ જાટ (42 વર્ષિય), (4) દલેરસિંઘ જોગીન્દરસિંઘ જાટ (47 વર્ષીય) અને (5) ગુરબેજસિંઘ ઉર્ફે ભેજા સલવિન્દરસિંઘ જાટ (34 વર્ષીય) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ NDPS કોર્ટના જજ વી.એ. બુદ્ધે તમામ પુરાવા અને દલીલોને આધારે પાંચેય આરોપીઓને NDPS એક્ટની કલમ 8(C), 22(C) અને 29 હેઠળ દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 2 લાખના દંડની સજા ફટકારી છે. પ્રોસિક્યુશન તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ 31 દસ્તાવેજી પુરાવા તથા 10 સાક્ષીઓ રજૂ કરી અસરકારક દલીલો કરી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપીઓએ આર્થિક લાભ મેળવવાના હેતુથી યુવાનોને નશાના રવાડે ચડાવવાની સુનિયોજિત યોજના બનાવી ગંભીર ગુનો આચર્યો હતો, જેથી કડક સજા જરૂરી બને છે.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ 

Related posts

અંજાર, ભચાઉ અને પશ્ચિમ ક્ચ્છ પોલીસમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો : ત્રણ આરોપી ઝડપાયા

પાણી સંગ્રહ માટે અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ લોકભાગીદારીથી જબરદસ્ત કામગીરી કરવામાં આવે છે

Kutch Kanoon And Crime

કોરોના મહામારીની ચિંતા વચ્ચે કચ્છ સીમાએથી 150 કરોડ રૂપિયા જેટલો હેરોઇન ઘુસાડવાનો પ્રયાસ

Leave a comment