Kutch Kanoon And Crime
Breaking NewsCrimeIndiaKutchRapar

રાપરના ગાગોદર હાઇવે પર SMCનો મેગા દરોડો : રૂ. 78.57 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલું ટ્રેલર ઝડપાયું…

રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ફરી એકવાર કચ્છમાં રાપર તાલુકાના ગાગોદર ગામ નજીક આવેલી જય ગોગા રાજસ્થાની હોટલના પાર્કિંગમાં દરોડો પાડી SMCએ વિદેશી દારૂના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 78,57,666ના મુદ્દામાલ સાથે દારૂ ભરેલું ટ્રેલર જપ્ત કરવામાં આવ્યું છે. છેલ્લા ટૂંકા ગાળામાં કચ્છમાં SMC દ્વારા થયેલા 10થી વધુ સફળ દરોડાઓએ સ્થાનિક પોલીસના બાતમીદાર નેટવર્ક અને દેખરેખ અંગે ગંભીર ચર્ચાઓ જગાવી છે.

13,500 બોટલ વિદેશી દારૂ સાથે ટ્રેલર ઝડપાયું…
ગુપ્ત બાતમીના આધારે ગાંધીનગરની SMC ટીમે ટ્રેલર નં. GJ-08-V-7835 પર દરોડો પાડી અંદાજે રૂ. 48,35,736ની કિંમતની 13,500 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 30 લાખનું ટ્રેલર, રોકડ રકમ અને મોબાઇલ સહિત કુલ રૂ. 78,57,666નો મુદ્દામાલ કબજે કર્યો છે.

બે આરોપીઓની ધરપકડ, અન્ય સામે ગુનો નોંધાયો…
આ કેસમાં ટ્રેલરના ડ્રાઇવર શ્રવણકુમાર મેઘવાલ અને ક્લીનર ચેનારામ જાટ (બંને બાડમેર, રાજસ્થાનના રહેવાસી)ની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન માલ મોકલનાર તરીકે નારાયણ જાટ (સાંચોર, રાજસ્થાન)નું નામ ખુલ્યું છે. ઉપરાંત વાહન માલિક અને દારૂ મંગાવનાર ઇસમો સામે ગાગોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પીઆઈ એમ.જે. હુણ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ખોટી નંબર પ્લેટ અને ચોરખાનાનો ઉપયોગ…
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનથી લાવવામાં આવેલા દારૂના જથ્થાને છુપાવવા ટ્રેલરમાં ખોટી નંબર પ્લેટ તેમજ ખાસ બનાવેલા ચોરખાનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સરહદી વિસ્તાર હોવા છતાં આ ટ્રેલર સ્થાનિક ચેકિંગમાંથી કેવી રીતે પસાર થયું તે મોટો પ્રશ્ન બની રહ્યો છે.

સ્થાનિક પોલીસ સામે ઉઠ્યા ગંભીર સવાલો…
ગાગોદર ગામની હોટલના જાહેર પાર્કિંગમાં કલાકો સુધી દારૂ ભરેલું ટ્રેલર ઊભું રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ..?ગાંધીનગરથી આવેલી SMCની ટીમે જ સમગ્ર જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસના બાતમીદાર નેટવર્ક પર સવાલો ઉભા થયા છે.

ઉચ્ચ પોલીસ નેતૃત્વ માટે પણ ચિંતાનો વિષય…
પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં સ્થાનિક પોલીસ દ્વારા નિયમિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં વારંવાર SMC દ્વારા થતા મોટા દરોડાઓ સ્થાનિક પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યા છે. એકાદ ઘટના અપવાદરૂપ ગણાવી શકાય, પરંતુ સતત આવી સફળ કાર્યવાહી સૂચવે છે કે સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરવાની જરૂર છે. હવે માત્ર સ્થાનિક પોલીસ મથકો જ નહીં, પરંતુ જિલ્લા પોલીસ વડા અને સરહદી રેન્જના ઉચ્ચ અધિકારીઓએ પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે સરહદી કચ્છ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કેવી રીતે સતત વધી રહી છે અને તેને રોકવા માટે કયા સ્તરે વધુ અસરકારક પગલાં જરૂરી છે.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ

Related posts

કોરોના કાળમાં “ઓક્સીઝન”ના “બાટલા”ની ભાગદોળ ક્યાં સુધી..?

ગઢશીશાની બજારો સાંજે 6 વાગ્યા પછી બંધનો નિર્ણય

દુર્ગાધામ અમદાવાદના અગ્રણીઓએ કચ્છની મુલાકાત લીધી

Leave a comment