Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજ રેલવે સ્ટેશન પર ક્ષણિક બોલાચાલી બની લોહિયાળ : લોખંડના પાઈપના ઘા ઝીંકી ૨૮ વર્ષીય પરપ્રાંતીય યુવકની હત્યા…

આરોપી રેલવે પોલીસની ગિરફતમાં, સ્ટેશન પર જ હત્યાના બનાવથી ચકચાર : સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો…

હજારો મુસાફરોની રોજિંદી અવરજવરથી ધમધમતા ભુજ રેલવે સ્ટેશન પર ગુરુવારે એટલે કે આજે સાંજે ક્ષણિક બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં ચકચાર મચી ગઈ હતી. સામાન્ય તકરારમાં ઉશ્કેરાયેલા એક યુવકે લોખંડના ભારે પાઈપ વડે હુમલો કરી ૨૮ વર્ષીય પરપ્રાંતીય યુવકનું મોત નિપજાવ્યું હતું. બનાવ બાદ રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લેતાં વધુ તપાસ હાથ ધરાઇ છે. પ્રાથમિક વિગતો મુજબ, ગુરુવારે એટલે કે આજે સાંજે આશરે ૪:૩૦ વાગ્યાના અરસામાં ભુજ રેલવે સ્ટેશન પરિસરમાં બે યુવાનો વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા યુવકે નજીકમાં પડેલી લોખંડનો ભારે પાઈપ ઉપાડી સામેના યુવકના માથાના ભાગે એક બાદ એક ઘા ઝીંક્યા હતા. અચાનક બનેલા જીવલેણ હુમલાને પગલે રેલવે સ્ટેશન પર હાજર મુસાફરોમાં ભય અને દોડધામનો માહોલ સર્જાયો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકની ઓળખ મુકેશ સાહની (ઉંમર ૨૮), મૂળ નિવાસી સીતામઢી, બિહાર તરીકે થઈ છે.
ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુકેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે માથાના ભાગે થયેલી ગંભીર ઈજાઓના કારણે તેનું મોત થયું હતું. સામાજિક સંસ્થાના કાર્યકરોની મદદથી મૃતદેહને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપી બંને પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે અને બંને એકબીજાથી અગાઉથી પરિચિત ન હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ કોઈ વેરઝેર હતો કે માત્ર ક્ષણિક આવેગમાં જ હુમલો કરવામાં આવ્યો હતો, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. રેલવે પોલીસના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. તેમજ હત્યામાં વપરાયેલ લોખંડનો પાઈપ પણ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજ રેલવે સ્ટેશન જેવા સતત મુસાફરોની અવરજવર ધરાવતા જાહેર સ્થળે બનેલા હત્યાના બનાવથી સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસની વધુ તપાસ બાદ ઘટનાનું સાચું કારણ સામે આવે તેવી શક્યતા છે.

Related posts

કચ્છમાં આજે કોરોનાના 5 પોઝિટિવ કેસ સાથે GMDCના આધેડ વયના એન્જિનિયરનું મૃત્યુ થતા મૃત્યુઆંક 9 પર પહોંચ્યો

Kutch Kanoon And Crime

ભુજ તાલુકાના નોખાણિયા ગામની સીમમાં તરુણની શંકાસ્પદ હત્યા

Kutch Kanoon And Crime

અબડાસાના જસાપર નજીક સાંઢાના શિકાર કરતા એક મહિલા સહિત ત્રણ પકડાયા

Kutch Kanoon And Crime

Leave a comment