તહેવારની ખુશીઓ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ક્રિશિવ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપનું સરાહનીય સેવાકાર્ય…

ભુજ ખાતે દિવાળીના પાવન પર્વની ઉજવણી માત્ર રોશની અને આતશબાજી પૂરતી સીમિત ન રહે, પરંતુ સમાજના જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં પણ ખુશીઓનો પ્રકાશ પથરાય તેવા ઉમદા હેતુ સાથે ક્રિશિવ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપ દ્વારા સરાહનીય સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ત્રણેય સંસ્થાઓ દ્વારા દાતાઓના સહયોગથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ દીપદાન કરીને તેમના ઘરમાં પણ દિવાળીના પર્વે દીપ પ્રગટે અને તેઓ પણ તહેવારની ખુશીઓ સાથે દિવાળી ઉજવી શકે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સેવાકાર્ય પાછળ ક્રિશિવ ફાઉન્ડેશનનાં પ્રમુખ નયનાબેન ગૌસ્વામી, પ્રેરણા મહિલા મંડળનાં પ્રમુખ વંદનાબેન ભાવસાર અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપનાં પ્રમુખ મીરાબેન જેઠીના સંવેદનશીલ અને પ્રેરણાદાયી વિચારો રહેલા છે. તેમના આ ઉમદા વિચારને સાકાર કરવા દાતાઓએ પણ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. આ સેવાકાર્યમાં રંજનબેન મોડ, આરતીબેન ગૌસ્વામી, ભાવિનીબેન, ડિમ્પલબેન ગુસાઈ, હર્ષિદાબેન સોલંકી, આરતીબેન ઝાલા, જ્યોતિબેન ગોહિલ અને હેમાબેન સહિતનાઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ ઉપરાંત મંડળના સભ્યોને પણ દિવાળીના પર્વને અનુરૂપ ભેટ અર્પણ કરવામાં આવી હતી…
દિવાળીના પર્વે જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર સ્મિત લાવવાનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો હતો. આગામી સમયમાં પણ ત્રણેય સંસ્થાઓ દ્વારા આવા માનવતાસભર અને સેવાકીય કાર્યો સતત થતાં રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર
