ભુજ હાટ ખાતે યોજાયેલા ‘મેરા હુનર મેરી પહેચાન’ મેળાના અંતિમ દિવસે પ્રીનવરાત્રી સેલિબ્રેશન અંતર્ગત રાસગરબાની રમઝટ જોવા મળી હતી. ક્રિશિવ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને પીંગલેશ્વર ગ્રુપના સહયોગથી મહિલાઓ, બાળકો તેમજ સિનિયર સિટીઝન બહેનો માટે રાસગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. હરીફાઈમાં વિવિધ ઉંમરના બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત વેશભૂષા સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી સમગ્ર ભુજ હાટના વાતાવરણને નવરાત્રીમય બનાવી દીધું હતું. હરીફાઈ દરમિયાન દરેક વયજૂથના સ્પર્ધકોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે અતિથિ વિશેષની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. મંડળના વડીલો, સભ્યો તથા આગેવાનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હરીફાઈના અંતે વિવિધ ત્રણ કેટેગરીમાં પ્રથમ પાંચ વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્પર્ધકોને પ્રોત્સાહનરૂપે આશ્વાસન ઇનામો પણ આપવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ દરમિયાન ખેલૈયાઓમાં ભારે આનંદ જોવા મળ્યો હતો.
મેળાના દસ દિવસ દરમિયાન વિવિધ પ્રકારની સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અવનવા આયોજનોથી ભુજ હાટ સતત ધમધમતું રહ્યું હતું. અંતિમ દિવસે યોજાયેલા રાસ-ગરબા કાર્યક્રમથી મેળાનું સમાપન પણ રંગારંગ માહોલમાં થયું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા નયનાબેન ગોસ્વામી, વંદનાબેન ભાવસાર અને મીરાબેન જેઠી સહિત મંડળના પ્રમુખ તથા સભ્યોએ અથાગ મહેનત કરી હતી. તેમના સંયુક્ત પ્રયાસોને કારણે દસ દિવસીય મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
મેળાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના કૌશલ્ય અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપી તેમને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનો હતો. મેળામાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ હસ્તકલા અને કારીગરીની વસ્તુઓને પ્રદર્શિત કરવાની તથા વેચાણની તક મળી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને મુલાકાતીઓ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રાસગરબા હરીફાઈમાં નિર્ણાયક તરીકે ઉપસ્થિત મહાનુભાવોનું મંડળ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. આમ, ‘મેરા હુનર મેરી પહેચાન’ના દસ દિવસીય મેળાનો અંત રાસ-ગરબાની રમઝટ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે થયો હતો.
અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ દ્વારા…
