Kutch Kanoon And Crime
BhujBreaking NewsGujaratKutchSpecial Story

ડ્રગ્સ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક, ભૂમાફિયાઓના દબાણો પર બુલડોઝર અને સાયબર ઠગો સામે કડક કાર્યવાહી…

સસ્તા સોના અને એકના પાંચની લાલચ આપતી ગેંગના ૫૮ આરોપીઓ ઝડપાયા, ૪૯૦ મોબાઈલ મૂળ માલિકોને પરત અપાયા, વ્યાજખોરો પાસેથી રૂ. ૧.૨૪ કરોડ રોકડ અને રૂ. ૧.૫૬ કરોડના દાગીના જપ્ત કરાયા…

પશ્ચિમ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુનાખોરી પર નિયંત્રણ અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા પશ્ચિમ કચ્છ પોલીસે વર્ષ ૨૦૨૬ દરમિયાન વિવિધ મોરચે વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સહિતની વિવિધ પોલીસ ટીમોએ જાન્યુઆરીથી ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ડ્રગ્સ માફિયાઓ, ભૂમાફિયાઓ, સાયબર ઠગો, વ્યાજખોરો અને અન્ય અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી કામગીરીની વિગતો મુજબ, NDPS એક્ટ હેઠળ ૭૦ ગુના નોંધી ૭૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રૂ. ૧૦૨.૨૪ કરોડથી વધુ કિંમતનો ૩૯૫.૭૪૦ કિલો માદક પદાર્થ જપ્ત કરાયો છે. બીજી તરફ, સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશમાં ૧,૮૬૪ દબાણો દૂર કરી રૂ. ૨૯૪.૭૧ કરોડની કિંમતની જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે.

સાયબર ઠગો અને સસ્તા સોનાની લાલચ આપતી ગેંગ સામે LCBની કાર્યવાહી…
સોશિયલ મીડિયા પર ‘એકના પાંચ લાખ’ અને ‘સસ્તું સોનું’ આપવાની લાલચ આપીને નાગરિકો સાથે છેતરપિંડી કરતી સંગઠિત ગેંગ સામે પશ્ચિમ કચ્છ LCBએ કાર્યવાહી કરી ૨૨ જેટલા ગુના નોંધી ૫૮ રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન રૂ. ૧.૫ કરોડની કિંમતના ૧૦ અસલ સોનાના બિસ્કિટ તથા રૂ. ૧,૧૨,૩૪,૩૦૦ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત છેતરપિંડીની અન્ય ૧૦ અરજીઓનો નિકાલ કરી ભોગ બનેલા નાગરિકોને રૂ. ૧,૫૪,૦૨,૪૪૦ની રકમ પરત અપાવવામાં આવી છે. સાયબર ફ્રોડમાં બેન્ક એકાઉન્ટ ભાડે આપીને કાળા નાણાંની હેરફેર કરતા તત્વો સામે ‘મ્યુલ હન્ટ 2.0’ અભિયાન હેઠળ ૮ ગુના નોંધી ૧૪ ઈસમો સામે કાર્યવાહી કરાઈ છે. ટેકનોલોજીના ઉપયોગથી CEIR પોર્ટલ મારફતે ગુમ થયેલા અને ચોરાયેલા રૂ. ૧,૦૯,૭૦,૫૦૦ની કિંમતના ૪૯૦ મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.

વ્યાજખોરો પાસેથી રૂ. ૨.૮૦ કરોડથી વધુની રોકડ અને દાગીના જપ્ત…
કોઠારામાં વ્યાજખોરી અને છેતરપિંડીના મોટા કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. ૧,૨૪,૫૩,૪૦૦ની રોકડ તથા રૂ. ૧,૫૬,૦૫,૧૯૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. આ ઉપરાંત ૭૪ ચેકબુક, ૭૭ સહી કરેલા ચેક, ૭૨ પાસબુક, મિલકતના દસ્તાવેજો અને વાહનોની આરસી બુક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃત્તિ ડામવા ૨૮ ઈસમો વિરુદ્ધ ૧૧ ગુના નોંધવામાં આવ્યા છે. ગૌવંશની હત્યા અને ગેરકાયદે કતલની પ્રવૃત્તિઓ સામે ૯ ગુના નોંધી ૨૯ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ફિશરીઝ એક્ટના ભંગ બદલ કુલ ૪૬ કેસ નોંધવામાં આવ્યા છે.

ડ્રગ્સ માફિયાઓ સામે સર્જિકલ સ્ટ્રાઈક: રૂ. ૧,૧૫૦ કરોડનું કોકેઈન ઝડપાયું…
યુવા પેઢીને નશાના દૂષણથી બચાવવા પશ્ચિમ કચ્છ પોલીસે SOG અને ATS સહિતની એજન્સીઓ સાથે સંકલનમાં રહી ડ્રગ્સના ગેરકાયદે કારોબાર સામે કાર્યવાહી કરી છે. NDPS એક્ટ હેઠળ ૭૦ ગુના નોંધી ૭૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન ગાંજો, ચરસ, એમ.ડી., હેરોઈન અને કોકેઈન સહિત કુલ ૩૯૫.૭૪૦ કિલો માદક પદાર્થ, જેની કિંમત રૂ. ૧૦૨.૨૪ કરોડથી વધુ થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પણ વહીવટી તંત્ર સાથે મળીને દૂર કરવામાં આવ્યા છે. દરિયાઈ વિસ્તારમાં અન્ય એજન્સીઓ સાથે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન રૂ. ૫.૬૩ કરોડની કિંમતના ૨૪૭.૪૮૯ કિલો બિનવારસી ડ્રગ્સના ૨૨૮ પેકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત ATS અમદાવાદ સાથેના સંયુક્ત ઓપરેશનમાં રૂ. ૧,૧૫૦ કરોડની કિંમતનું ૧૧૮.૯૭૭ કિલો હાઈ-પ્રોફાઈલ કોકેઈન ઝડપી પાડવામાં આવ્યું હતું. આ કેસમાં નાઈજીરિયા, ટાન્ઝાનિયા અને યુગાન્ડાના નાગરિકોને ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામે કાર્યવાહી કરવામાં આવી છે.

૧૦ મહિનામાં ૧,૮૬૪ દબાણોનો સફાયો, રૂ. ૨૯૪.૭૧ કરોડની સરકારી જમીન મુક્ત…
સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણો અને ભૂમાફિયાઓ સામે પશ્ચિમ કચ્છ પોલીસે વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. તા. ૦૧-૦૧-૨૦૨૬થી ૩૧-૧૦-૨૦૨૬ દરમિયાન કુલ ૧,૮૬૪ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં છે. જેમાં ૧,૦૨૦ કોમર્શિયલ દબાણો, ૪૮ અસામાજિક તત્વોના અડ્ડાઓ, ૩૮ ધાર્મિક દબાણો અને ૭૫૮ અન્ય દબાણોનો સમાવેશ થાય છે. આ કામગીરી દરમિયાન કુલ ૧,૩૦,૪૨,૬૧૬ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે, જેની અંદાજિત કિંમત રૂ. ૨૯૪,૭૧,૫૯,૭૬૪ એટલે કે રૂ. ૨૯૪.૭૧ કરોડ થાય છે.

પશ્ચિમ કચ્છ પોલીસનું વર્ષ ૨૦૨૬નું મેગા ક્રેકડાઉન: ૧૦ મહિનામાં રૂ. ૧,૧૫૦ કરોડનું કોકેઈન ઝડપાયું, રૂ. ૨૯૪.૭૧ કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાવાઈ…

 

ગુનાખોરી સામે સતત કાર્યવાહી, સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાનો પ્રયાસ…
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં ડ્રગ્સના કાળા કારોબારથી લઈને સાયબર છેતરપિંડી, વ્યાજખોરી, ગૌવંશની હત્યા, ગેરકાયદેસર માછીમારી અને સરકારી જમીનો પરના દબાણો સુધી વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ બ્રાન્ચ અને પોલીસ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીથી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહીનો વ્યાપ વધ્યો છે. નાગરિકોની સંપત્તિની સુરક્ષા, છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને નાણાં પરત અપાવવા અને સરહદી વિસ્તારની સુરક્ષા મજબૂત બનાવવા પોલીસ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

પૂર્વ ક્ચ્છ અંજાર પોલીસ દ્વારા પકડાયેલા 24 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો

Kutch Kanoon And Crime

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાંતવને કચ્છ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

Kutch Kanoon And Crime

શેખપીર નજીક ગાંધીધામના વેપારીનું રહસ્યમય આકસ્મિક મોત : આત્મહત્યા કરવા જાઉં છું બોલતો વિડિયો વાયરલ થતા રહસ્ય ઘેરાયુ…

Kutch Kanoon And Crime

Leave a comment