Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

50 હજારની લાંચ લેતા ભુજ ખાણ-ખનીજ કચેરીનો IT એક્ઝિક્યુટિવ સહિત બે ઝડપાયા…

લીઝ એકાઉન્ટ અનલોક કરવાના બદલામાં લાંચની માંગણીનો આક્ષેપ | વચેટિયા મારફતે રકમ સ્વીકારતા ACBએ રંગેહાથ ઝડપી લીધા : ખાણ-ખનીજ વિભાગમાં અગાઉથી ચાલતી ફરિયાદો વચ્ચે કાર્યવાહીથી અનેક સવાલો ઉઠ્યા…

સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામે ACB દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ભુજમાં કલેક્ટર કચેરી સ્થિત ખાણ અને ખનીજ વિભાગની કચેરી સાથે જોડાયેલો લાંચનો મામલો સામે આવ્યો છે. ACBએ રૂપિયા 50 હજારની લાંચ લેવાના કેસમાં કરાર આધારિત IT એક્ઝિક્યુટિવ સહિત બે વ્યક્તિઓને રંગેહાથ ઝડપી લીધા છે. મળતી વિગતો મુજબ, વર્ષ 2008માં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી રેતીની લીઝ ધરાવતા એક નાગરિકનું ઓનલાઈન લીઝ એકાઉન્ટ લોક થઈ ગયું હતું. ખનન કરાયેલા ખનીજના વહન માટે રોયલ્ટી પાસ જનરેટ કરવા એકાઉન્ટ અનલોક કરવું જરૂરી હોવાથી ફરિયાદીએ ભુજ કલેક્ટર કચેરી સ્થિત ખાણ-ખનીજ વિભાગનો સંપર્ક કર્યો હતો. આક્ષેપ મુજબ, ખાણ-ખનીજ વિભાગમાં કરાર આધારિત IT એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા જીનીશ નિતિનભાઈ આચાર્યે લીઝ એકાઉન્ટ અનલોક કરવાના બદલામાં ફરિયાદી પાસે રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી. લાંચ આપવા ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ ભુજ ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે મુન્દ્રા રોડ પર એરોપ્લેન સર્કલ નજીક આવેલા જોષી દહીંવડા સેન્ટર ખાતે છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન જીનીશ આચાર્યના કહેવાથી ખાણ-ખનીજ વિભાગમાં અરજી તૈયાર કરવાનું કામ કરતા ખાનગી વ્યક્તિ આશિષ કાળુભાઈ આચવડીયાએ ફરિયાદી પાસેથી રૂપિયા 50 હજારની લાંચની રકમ સ્વીકારી હતી. રકમ સ્વીકારતાની સાથે જ ACBની ટીમે બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને લાંચની સંપૂર્ણ રકમ પણ રિકવર કરી હતી. આ કાર્યવાહી ભુજ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.એન. મોઢવાડિયા તથા તેમની ટીમે કરી હતી. બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કરાર આધારિત કર્મચારી સુધી લાંચની માંગણી કેવી રીતે પહોંચી..?
આ ઘટનાએ ખાણ-ખનીજ વિભાગની કામગીરી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. એક તરફ લીઝ સંબંધિત ઓનલાઈન એકાઉન્ટ અનલોક કરવા જેવી પ્રક્રિયામાં રૂપિયા 50 હજારની લાંચની માંગણીનો આક્ષેપ થયો છે, ત્યારે બીજી તરફ વિભાગમાં ખાનગી વ્યક્તિની ભૂમિકા અને તેની મારફતે રકમ સ્વીકારવાના મામલે પણ તપાસ જરૂરી બની છે..આ મામલે ACBની તપાસ આગળ વધે તેમ લાંચની માંગણી પાછળ માત્ર વ્યક્તિગત સ્તરે કાર્યવાહી હતી કે તેની પાછળ કોઈ અન્ય વ્યવસ્થા અથવા સંડોવણી હતી, તે અંગેની હકીકતો બહાર આવી શકે છે.

ખાણ-ખનીજ વિભાગની જૂની ફરિયાદો ફરી ચર્ચામાં…
કચ્છનો ખાણ-ખનીજ વિભાગ અગાઉ પણ વિવિધ ફરિયાદો અને આક્ષેપોને કારણે ચર્ચામાં રહ્યો છે. ખાસ કરીને ખનીજ ચોરી, પરવાનગી, લીઝ અને રોયલ્ટી પાસ સંબંધિત કામગીરી અંગે સમયાંતરે સવાલો ઉઠતા રહ્યા છે..હવે ACBની આ કાર્યવાહીને પગલે વિભાગની આંતરિક કામગીરી, ખાનગી વ્યક્તિઓની અવરજવર અને અરજદારોના કામકાજની પ્રક્રિયા અંગે વધુ તપાસ થાય છે કે નહીં તે જોવું મહત્વનું રહેશે.

કલેક્ટર કચેરી હેઠળના વિભાગમાં કાર્યવાહીથી સવાલો…
કલેક્ટર કચેરીના પરિસરમાં કાર્યરત વિભાગ સાથે જોડાયેલા કર્મચારી સામે લાંચનો કેસ સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. રૂપિયા 50 હજારની લાંચની માંગણી અને વચેટિયા મારફતે રકમ સ્વીકારવાના આક્ષેપોની તપાસમાં ACB કયા તથ્યો બહાર લાવે છે તેના પર હવે નજર રહેશે. ખાસ કરીને આ સમગ્ર ઘટનામાં લાંચની માંગણી માત્ર આરોપી કર્મચારી પૂરતી મર્યાદિત હતી કે અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી, તે અંગે તપાસ થાય તો મામલાની વધુ હકીકતો સામે આવી શકે છે. હાલ આ તમામ બાબતો તપાસનો વિષય છે અને સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. ACBની આ કાર્યવાહી બાદ ભુજ ખાણ-ખનીજ વિભાગમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને હવે તપાસનો વ્યાપ ક્યાં સુધી પહોંચે છે તેના પર સૌની નજર છે.

પ્રકાશિત નીતેશ ગોર – ભુજ

Related posts

મુન્દ્રા તાલુકાના બારોઇ જુથ ગ્રામ પંચાયતની જાણો શ્રેષ્ઠ કામગીરી

Kutch Kanoon And Crime

માંડવી હાઇવે પર ગમખ્વાર ત્રિપલ અકસ્માત : એક સાથે ત્રણ કારો અથડાઈ

Kutch Kanoon And Crime

ચકચારી હની ટ્રેપ મામલામાં આરોપી એડવોકેટ કોમલ જેઠવાએ આગોતરા જામીન માંગ્યા : આવતીકાલે સુનાવણી

Leave a comment