ભુજના રહેવાસી તથા ક્રિશિવ ફાઉન્ડેશનના પ્રમુખ નયનાબેન યોગેશગીરી ગૌસ્વામીએ પોતાના જન્મદિવસની અનોખી અને સેવાભાવી રીતે ઉજવણી કરી હતી. આજના સમયમાં જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ અને પાર્ટીનું આયોજન કરવાનો ટ્રેન્ડ જોવા મળે છે, ત્યારે નયનાબેને જન્મદિવસની ખુશીઓ જરૂરિયાતમંદ અને નાના બાળકો સાથે વહેંચવાનો સદવિચાર કર્યો હતો. નયનાબેનના આ વિચારને ક્રિશિવ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ તથા પિંગલેશ્વર ગ્રુપની બહેનોએ સહયોગ આપ્યો હતો. જન્મદિવસ નિમિત્તે નાના બાળકોને સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને નાસ્તો કરાવી તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ ઉપરાંત બાળકોને મેળામાં લઈ જઈ હર્ષોલ્લાસ સાથે મનોરંજન કરાવવામાં આવ્યું હતું. જન્મદિવસની ઉજવણીનો આ સેવાભાવી અભિગમ ઉપસ્થિત લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પોતાના ખાસ દિવસને માત્ર પોતાના સુધી સીમિત રાખવાને બદલે બાળકો સાથે ખુશીઓ વહેંચી નયનાબેન ગૌસ્વામીએ સામાજિક સંદેશ પણ આપ્યો હતો. આ ઉપરાંત નયનાબેનના જન્મદિવસના દિવસે ‘મેરા હુનર મેરી પહેચાન’ મેળામાં સ્ટોલ લગાવનાર તમામ કારીગરોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કારીગરોના કૌશલ્ય અને મહેનતને પ્રોત્સાહન આપવા માટે આ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. નયનાબેન ગૌસ્વામીની આ અનોખી જન્મદિવસ ઉજવણીમાં સેવા, સંવેદના અને પ્રોત્સાહનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. આવનારા સમયમાં આવી પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે અને જન્મદિવસને સમાજ સાથે ખુશીઓ વહેંચવાના અવસર તરીકે ઉજવવાનો સંદેશ આપે છે.
અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ દ્વારા.
