મકાનમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતાં અરેરાટી : પોલીસ તપાસ શરૂ…
માંડવી તાલુકાના ગુંદિયાળી ગામના શેખાઈબાગ વિસ્તારમાં 24 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતાં રાજગોર સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંડવી ખાતે ખસેડ્યો હતો. મળતી માહિતી મુજબ, ગુંદિયાળી ગામના શેખાઈબાગ વિસ્તારમાં રિકલ વસંતભાઈ વ્યાસ નામની 24 વર્ષીય યુવતીએ સવારના સમયે બાળકો બહાર રમતા હતા ત્યારે તેમનું ધ્યાન ઘરના બંધ દરવાજા તરફ ગયું હતું. દરવાજો અંદરથી બંધ હોવાથી બાળકોએ બારીમાંથી ઘરની અંદર નજર કરતાં રિકલબેન ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ બાળકોએ આસપાસના લોકોને જાણ કરતાં સમગ્ર બનાવ સામે આવ્યો હતો. રિકલબેનના પિતા સ્વ. વસંતભાઈ વ્યાસનું અગાઉ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સદગતના પરિવારમાં પાંચ ભાઈ બહેનો હોવાનુ જેમાં ચાર બહેનો અને એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં રિકલબેન સૌથી નાની દીકરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંડવી ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ રિકલબેનનો મોબાઈલ ફોન પણ પોલીસે તપાસ માટે કબજે કર્યો છે. હાલ યુવતીએ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસ દ્વારા મોબાઈલ ફોન સહિતના પુરાવાના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવી શકે તેમ છે.
અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા…
