ભુજની કચ્છ મહિલા વિકાસ સંગઠન અને કચ્છ પોલીસ તંત્રના સહયોગથી વર્ષ-૨૦૧૦થી હેલો સખી હેલ્પલાઇન શરૂ કરીને સ્ત્રીને ઘરેલુ હિંસા સામે રક્ષણ પૂરું પાડવાના પ્રયાસો સાથે, હિંસાના કેસના રેકોર્ડ રાખવા, સમાધાન માટે કાઉન્સેલિંગ, મીડીએશન સપોર્ટ, પોલીસ કાર્યવાહી તથા વકીલની સલાહમાં મધ્યસ્થી નિભાવીને હેલો સખીની ટીમ કામ કરે છે. હેલો સખીની કાર્યરત ટીમના કુલ 10 સભ્યોમાં છ કાઉન્સેલર, બે હેલ્પલાઇન ઓપરેટર, લીગલ પ્રોગ્રામ એન્કર & એડવોકેટ માલશ્રી ગઢવી અને KMVSના ડાયરેક્ટર અરુણાબેન જોશી સાથે સહયોગ મેળવીને હિંસાના કેસો પર કામ કરતાં દરેક કાઉન્સિલર અને હેલ્પલાઇન ઓપરેટર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી.
◆ નીતાબેન મહેશ્વરી અને મધુ ગોસ્વામી વાતચીતમાં જણાવે છે કે, “કોવિડ 19 મહામારીને રોકવા લોકડાઉનની અસરથી લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન નોંધાયા છે. વ્યક્તિના શારીરિક – માનસિક શ્રમની પરિભાષા સાવ જ બદલાઇ ચૂકી છે તેના પરિણામ સ્વરૂપે લોકડાઉનના 52 દિવસના સમયગાળામાં હેલો સખીના રેકોર્ડ મુજબ 164 ઘરેલુ હિંસાના કેસો નોંધાઈ ચૂક્યા છે. નોંધાયલા ઘરેલુ હિંસાના મુદ્દાઓ એક જ છે, પણ તે હિંસા પાછળના કારણો બદલાઈ ગયા છે. સ્ત્રીની સાંસારિક વિટંબણાંઑ વધી ગઈ છે.”
◆ ખતાબેન કહે છે, “કમાવવાના સ્ત્રોત બંધ થઈ જવા, માવા – ગુટખા જેવા વ્યસન છુટી જવા, ટેકનોલોજીના વધુ પડતા વપરાશ, અને અચાનક જેલની જેમ ઘરમાં પુરાઈ જવાને લીધે આ પ્રકારની હિંસામાં વધારો થયો છે. પરંતુ કેસોની સંખ્યા આનાથી ચાર ઘણી હોઈ શકે તેનું કારણ પણ તેઓ જણાવે છે કે ઘણા કિસ્સામાં સ્ત્રી સહનશક્તિને પ્રાધાન્ય આપે છે તો આબરૂની ચિંતાથી અથવા ઘણા મજબૂરીના લીધે કિસ્સાઓ બહાર આવતા જ નથી.”
◆ જયશ્રીબેન કહે છે કે, “સ્ત્રીનું સ્થાન તો પુરુષ કરતાં પણ ઊંચું છે પણ જ્યારે સાંસારિક જીવનમાં ખરેખર એને સન્માન મળશે તો ઘરેલું હિંસાના કેસો સામે આવશે જ નહીં. સ્ત્રીની દિશા ભલે ન બદલાય પણ દશા સુધારવી જરૂરી છે.”
◆ ચંદા જોશી જણાવે છે કે, “જ્યાં અરસપરસના સમજાવટથી કેસમાં સમાધાન કર્યું હોય તેવા કેસ ફરી સમય રહેતાં સામે આવતા હતા પણ ઘરબંધીમાં તેની સંખ્યામાં વધારો થયો છે. તેના પરથી ખ્યાલ આવે છે કે, લોકોની માનસિક પરિસ્થિતિમાં ફેરફારો થયા છે. આર્થિક હિંસા, માનસિક હિંસા, શારીરિક હિંસા; દરેક પ્રકારની ઘરેલું હિંસાના કિસ્સાઓ લોકડાઉન આશરે દોઢ માસમાં અમે નોંધ્યા છે.”
◆ વનિતા શેખા જણાવે છે કે, “હું ભચાઉ રાપરના કેસો જોઉં છું તેમાં સમાજના પુરુષપ્રધાન વર્ગનો જનૂની સ્વભાવ વધારે જોવા મળે છે અને તેના લીધે તેઓની હિંસક માનસવૃતિને સમજાવટથી દૂર કરવું ખરેખર જોખમકારક હોય છે.”
◆ જિનલ શાહ કહે છે કે, લોકડાઉન દ્વારા જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેના કારણોના ઉકેલ અમારી પાસે પણ નથી કેમકે અમે પણ લોકડાઉનથી થનારી આડઅસરોથી વંચિત રહેવાના નથી, ત્યારે આવા સમયમાં કાઉન્સેલીંગ કરવું અઘરું બની જાય છે. લોકોની માનસિકતા વિષે જણાવે છે કે, હમણાં જ એક કેસમાં પત્ની ફરિયાદ કરે છે કે; “બેન પતિ તો મારે પણ શું દેર અને જેઠને પણ મારવાનો હક હોય?” પતિની મારને તેનો હક્ક સમજીને સહન કરતી મહિલા જાણે દાંપત્યજીવનની પ્રથા જ સમજે છે તેવું લાગે. આધુનિક સમયમાં પણ હું આવી માનસિકતાને રોજ અનુભવું છું.
◆ રીંકલ દાવડા કહે છે કે “અશિક્ષિત, ગરીબ સાથે અર્બન, શિક્ષિત અને સમૃદ્ધ પરિવારમાંથી પણ હિંસાના કેસોની દાવેદારી સરખા ભાગે હોય છે. હાલ બે દિવસ પહેલા પતિના ઘરમાઠી કાઢી મૂકવાથી મદદ માટે રાત્રે 8:30 વાગ્યે મને કોલ આવ્યો અને ફરિયાદ નોંધાવવા સુધી રાત્રે 12 વાગ્યા સુધી હું પોલીસ સ્ટેશન પર રોકાઈ ગઈ હતી. આવા કેસો સાંભળું છું ત્યારે નોકરીના સમયને ધ્યાને લીધા વિના હું રોકાતી નથી અને મદદ કરવા નીકળી જાઉં છું. લોકડાઉનમાં પરિવારને સમય ફાળવવાનો મોકો તો જુજ મળ્યોં છે. પતિ પોલીસમાં હોવાને લીધે બે ત્રણ દિવસની શિફ્ટમાં ઘરે ન આવે એવું બને અને હું પણ હેલો સખીના અમુક કેસોમાં વહેલી- મોડી થાઉં છું, ત્યારે મારા ૭૦ વર્ષીય સાસુ અને ત્રણ વર્ષની દીકરી એકબીજા સાથે ઘરબંધીનો સમય પસાર કરતા હોય છે.
◆ માલશ્રીબેન કહે છે કે, કોરોનાનું સંક્રમણ ખાંડવા વિવિધ ક્ષેત્રે અનેક લોકો આપણી મદદ કરી રહ્યા છે, જેને આપણે કોરોના વોરિયર્શ કહીએ છીએ મારા મતે ‘વોરિયર્શ’ શબ્દનું અર્થ ‘યોદ્ધા’ થાય છે એમાં પણ પિતૃસત્તાક અર્થ સરે છે. હું તો કહું છું કે મારી ટીમના મેમ્બર્શ બધી જ સ્ત્રીઓ છે, અને લોકડાઉનમાં એક પણ દિવસની રજા પાડયા વગર કામ કરી રહી છે, તેઓ સાચા અર્થમાં આપણાં સમાજ માટે “કોરોના કર્મવીરાંગનાઓ” છે. આ ઉપાધિને તક માનીને સ્ત્રીત્વની ગરિમાને સમજવું જોઈએ, જો આવું થાય તો કોરોના વાઇરસની સાથે હિંસા નામના વાઇરસને પણ દૂર કરી શકાય.” ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ સફાઈ કર્મચારી, પ્રશાસનને આપણે કોરોના વોરિયર્શ તરીકે સંબોધીને તેમના સન્માનના શક્ય પ્રયાસો કરીએ છીએ તો હેલો સખીમાં કામ કરતી આ “કોરોના કર્મવીરાંગનાઓના” મંતવ્યો દરેક લોકો માટે પ્રોત્સાહક મુદ્દો બની રહેશે.”
સ્ટોરી : પૂર્વી ગોસ્વામી
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334