પશ્ચિમ કચ્છમાં પોલીસ વડા ન હોવાથી આવું પણ થાય છે…!
પશ્ચિમ કચ્છ દરિયા કાંઠા વિસ્તારમાં કોઈ ગેરકાનૂની ગતિવિધિઓ નથી થતી ને, તે ચકાસવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા ને ધ્યાને S.O.G., L.C.B., L.I.B., Q.R.T. તથા પેરોલ ફરલો ટીમ વગેરે દ્વારા રાજ્ય અને કેન્દ્રની અલગ અલગ સલામતી એજન્સીઓને સાથે રાખી જખૌના ખીદરત પીર અને સાંગી કંપનીની જેટી સુધીના વિસ્તારમાં ડમી આતંકવાદીઓને પકડી પાડવાની મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં રેડ કોર્સ તરીકે ડમી આતંકવાદીઓને તૈયાર કરાયા હતા જેને પકડી પાડવા જખૌ મરીન પોલીસના જવાનોની બ્લુ ફોર્સ તૈયાર કરવામાં આવી હતી. જે અન્વયે ફિશિંગ બોટ મારફત આ બ્લુ ફોર્સ દ્વારા ક્રિક વિસ્તારમાં SOG, ટીમ સાથે રહી સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી અને ડમી આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આ મોકડ્રીલ યોજાયાના 24 કલાક બાદ, એજ દરિયાઈ વિસ્તારમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે B.S.F., જવાનોની પેટ્રોલિંગમાં રહેલી ટુકડી દ્વારા બિન વારસુ હાલતમાં પડેલ ચરસના 10 પેકેટ કબ્જે કરાયા હતા. આ મળી આવેલ ચરસના પેકેટો જખૌ મરીન પોલીસને સુપરત કરાયા હતા. આમ પશ્ચિમ કચ્છ પોલીસ અને સલામતી એજન્સીઓ દ્વારા યોજાયેલ મોક ડ્રીલના 24 કલાકમાં જ જ્યાં મોકડ્રીલ યોજાઈ હતી ત્યાંના વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. કારણકે BSF, ટુકડી પેટ્રોલિંગ દરમિયાન ચરસના બિન વારસુ પેકેટ કબજે કરતી હોય તો આવી મોકડ્રીલ યોજવાની જરૂર શું છે. કારણ કે મોકદ્રીલ દરમિયાન એજન્સીઓને બિન વારસુ પડેલા ચરસના પેકેટો નો દેખાય અને બનાવટી આતંકીઓ ઝડપાઈ જાય એ આશ્ચર્યજનક ઘટના છે. નોંધનીય છે કે સલામતી એજન્સીઓ દ્વારા આવી મોકડ્રીલ યોજવાના કાર્યક્રમો ગોઠવાતા હોય તેની પાછળ સરકારી તિજોરીમાંથી વધારાના ખર્ચા પણ થતા હોય છે ત્યારે પ્રશ્ન એ જરૂર થાય કે મોકડ્રિલ યોજીને સરકારી ખર્ચે પોતાના હાથે પોતાની જ પીઠ થપાવવાની જરૂર ખરી..? હવે આમાં કોની પીઠ થપથપાવીશું..!!? મોકડ્રીલ કરનારા પશ્ચિમ કચ્છ પોલીસ ટીમ કે પછી ચરસના પેકેટ શોધી કાઢનાર પેટ્રોલીંગમાં રહેલી BSF, ની ટીમની.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334