મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં બનેલી ગઢવી યુવાનના મોતની ઘટના બાદ ત્રણ પોલીસ કર્મચારીઓ સામે હત્યાની કલમ તળે ગુનો નોંધાયા પછી પી.આઈ.ને પણ ગંભીર બેદરકારી મામલે બદલી સાથે સસ્પેન્ડ કરાયા છે આ ઉપરાંત એક વર્ષ જૂના મનાતા વાયરલ થયેલા વિડિયોમાં કોઈ બર્થ-ડે પાર્ટીમાં આરોપી શક્તિસિંહ ગોહિલ સાથે દારૂની મહેફિલ માણતા મનાતા બે પોલીસ કર્મચારીઆેને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આવા નિષ્ઠુર ફરજ ચોર અને ભ્રષ્ટાચારના ભંભોટિયા એવા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના બદલે તેમને કાયમી ધોરણે ફરજમાંથી ડીસમીશ શા માટે નથી કરાયા તેવો પ્રશ્ન સહેજે ઉભો થાય છે. પોલીસ પ્રશાસન માટે અત્યંત કલંકરૂપ ગણાય તેવી આ ઘટનામાં રાજ્ય પોલીસ પ્રશાસન અને રાજ્ય સરકારે આકરામાં આકરા પગલા લેવા જોઈએ જેથી એક ઉદાહરણ બેસે માત્ર સસ્પેન્ડ કરીને આવા નિષ્ઠુર અને ફરજ ચોર કર્મચારી કે અધિકારીઓને ઘેર બેઠા શા માટે અડધો પગાર અપાય…? ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર દ્વારા અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સતત ભય, ભુખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો દાવો કરાય છે ત્યારે આ પ્રકરણમાં રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર મુક્ત પ્રશાસન ઇચ્છે છે તે સાબિત કરવું જોઈએ. કચ્છ જિલ્લાના પોલીસ પ્રશાસનને સંબંધ છે ત્યાં સુધી અનેક પોલીસ કર્મચારીઓ પોતાના ઉપરી અધિકારીઓને રાજી કરી અથવા તેમની જરૂરિયાતો સંતોષીને સ્પષ્ટ રીતે ઘરની ધોરાજી ચલાવે છે આવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ લાખોની સ્થાવર જંગમ મિલકતો ઊભી કરી લીધી છે જેમાં પોલીસ કર્મચારીઓના પેસેન્જરોની હેરાફેરી કરતા વાહનો દોડી રહ્યા છે અરે પોલીસ કર્મચારીઓ ગેરકાયદેસર બેનામી ધોરણે money lendingનો વ્યવસાય કરી રહ્યા છે આવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના જીવન ધોરણ આંખ આંજી નાખે તેવા છે લાખોની કિંમતની લક્ઝુરિયસ કારમાં ફરતા અનેક ખાખી ધારીયા લોકોની નજરે ચડી રહ્યા છે અે સ્પષ્ટ રીતે દેખાય છે ત્યારે ક્યારેક પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની અંગત તપાસ કરવી જોઈએ. ભુજમાં એક-બે સોસાયટીઓ એવી છે જ્યાં મોટાભાગે ખાખી ધારીઓ વસવાટ કરી રહ્યા છે અથવા તો પોતાની માલિકીના લક્ઝરી બંગલા ધરાવે છે અને પોતે પોલીસ કવાટરમાં રહે છે અને પોતાના બેનામી છતાં માલિકીના બંગલાઓ ભાડે આપીને હજારો રૂપિયાની આવક રળી રહ્યા છે આ લક્ઝરિયસ બંગલા અને લક્ઝરિયસ ગાડીઓ આવા કર્મચારીઓ પાસે ક્યાંથી આવી આ અંગેની તપાસ કરવી જોઈએ. મુન્દ્રા ખાતે બનેલી કસ્ટોડિયન ડેથની ઘટના મામલે કચ્છી ચારણ ગઢવી સમાજે વિજયભાઈ ગઢવીની રાહબરીમાં જબરદસ્ત ઝુંબેશ ઉપાડી છે ત્યારે અન્ય સમાજોએ પણ અવાજ ઉપાડવાનો સમય પાકી ગયો છે ભ્રષ્ટાચાર આચરનાર અને કાયદા સાથે સંકળાયેલા કાયદાના ચિંથરા ઉડાવનાર કોઈ પણ હોય તેમની સામે અવાજ ઉઠાવવો જ પડશે તો જ ભ્રષ્ટાચાર આચરીને ફાટીને ધૂમાડે જનારાઓની શાન ઠેકાણે આવશે. નોંધનીય છે કે ગત જુલાઈ મહિનામાં પણ મુન્દ્રાના બારોઇ ખાતે એક કચ્છી રાજગોર મહિલાઅે નિંભર પોલીસ પ્રશાસનના પાપે આત્મહત્યા કરવી પડી હતી જેનો વિડીયો પણ હવે વાયરલ થયો છે આ ઘટનાના પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા પરંતુ કોઈ કારણોસર નિંભર પોલીસ પ્રશાસને દાદ આપી નહોતી હવે આ ઘટના સાથે જ એ નીતાબેન રાજગોર નામની મહિલાની આત્મહત્યાની ઘટના અને એક મુસ્લિમ તથા દલિત યુવક પર ગુજારાયેલા અત્યાચાર મામલે જે તે વખતે દાખવવામાં આવેલી બેદરકારીને લઈને મામલો ફરી ચર્ચામાં આવ્યો છે ત્યારે એ બન્ને ઘટનાઓ અંગેની તપાસ થશે કે કેમ તે એક સવાલ છે. હવે જ્યારે અખિલ કચ્છ ચારણ-ગઢવી મહાસભાના અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગઢવી જે લડત લડી રહ્યા છે એ અનુમોદનિય અને આવકાર્ય છે આ લડત માત્ર એક સમાજ પૂરતી સીમિત ન રહેતા આપણે સહુએ સહકાર આપવો પડશે આપણે સહુ સંગઠિત થાશું તો જ રક્ષક ભક્ષક નહીં બને બિન રાજકીય આંદોલન ચલાવી સમાજના સાચા પથ પ્રદર્શકને સાથ સહકાર આપવો આપણી નૈતિક જવાબદારી છે યાદ રહે સજ્જનની નિષ્ક્રિયતા દુર્જનની સક્રિયતા કરતાં વધારે ગંભીર છે આ દુર્ઘટના સાંપ્રત સમયમાં દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમાન છે સકારાત્મક વ્યક્તિને સહકાર આપી એમના જુસ્સામાં વધારો કરીએ યાદ રહે અન્યાય સહન કરવો એ પણ પાપ જ છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334