કચ્છમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. નખત્રાણાના ઢોરા ગામ નજીક ટ્રેલર અને મોપેડ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોપેડ પર સવાર બે શિક્ષિકાઓનાં મોત નીપજ્યાં છે. અકસ્માતમાં બંને શિક્ષિકાઓએ ઘટનાસ્થળે જ દમ તોડતાં સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. કચ્છમાં સતત સામે આવી રહેલા જીવલેણ માર્ગ અકસ્માતોએ માર્ગ સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. દેશલપર-હાજીપીર માર્ગ પર માત્ર ત્રણ દિવસ પહેલાં જ ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોનાં મોત થયાં હતાં. જ્યારે સાત દિવસ પહેલાં ખાવડા-ભુજ માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં સાત લોકોનાં જીવ ગયા હતા. આ રીતે છેલ્લા એક સપ્તાહ દરમિયાન કચ્છમાં માર્ગ અકસ્માતોની વિવિધ ઘટનાઓમાં 13થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જેના કારણે અનેક પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. કચ્છના માર્ગો પર બેફામ દોડતા ભારે વાહનો અને માર્ગ સુરક્ષાને લગતા પ્રશ્નો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ભારે વાહનોની બેદરકારી અને સતત વધી રહેલા અકસ્માતો પર અંકુશ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક નિયંત્રણ, અસરકારક ચેકિંગ અને નક્કર કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સતત સર્જાતા જીવલેણ અકસ્માતોમાં અનેક પરિવારોના માળા વિખેરાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા અસરકારક પગલાં ભરવાની જરૂરિયાત વર્તાઈ રહી છે.
અકસ્માતની પ્રાથમિક વિગત…
આજે સવારે આશરે પોણા આઠ વાગ્યાના અરસામાં ઢોરો પ્રાથમિક શાળા નજીક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ઋષિતાબેન રશ્મિકાંત શાહ (ઉંમર 37 વર્ષ) અને સંધ્યાબેન રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉંમર 39 વર્ષ), બંને રહે. દેશલપર ગુંતલી, એક્ટિવા પર સવાર થઈ ઢોરો ગામની પ્રાથમિક શાળામાં જઈ રહ્યાં હતાં. આ દરમિયાન નખત્રાણા તરફ જઈ રહેલું એક ટ્રેલર તેમના માટે કાળ બનીને આવ્યું હતું. ટ્રેલરની અડફેટે આવતાં બંને શિક્ષિકાઓ તેમના વાહન સાથે ટ્રેલરની નીચે કચડાઈ ગયાં હતાં. ગંભીર ઇજાઓના કારણે બંને શિક્ષિકાઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બંને શિક્ષિકાઓ પૈકી એક શિક્ષિકાની મનપસંદ જિલ્લામાં બદલી થઈ ગઈ હતી અને તેઓ ટૂંક સમયમાં જ નવી જગ્યાએ ફરજ પર હાજર થવાના હતાં.
