Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથનો મુખ્ય આરોપી શક્તિસિંહ પેરોલ જામીન તોડી ફરાર : જલ્દીથી શોધી કાઢવા આવેદનપત્ર અપાયું…

મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં નવો વળાંક : ટૂંકાગાળાના જામીન બાદ જેલમાં હાજર ન થયેલા પોલીસકર્મીની તાત્કાલિક શોધી કાઢવાની માંગ…

મુંદરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં નોંધાયેલા કસ્ટોડિયલ ડેથ કેસમાં, કેસના ફરીયાદી દેવરાજ રતનભાઈ ગઢવીએ એ.એસ.પી., મુંદરાને લેખિત અરજી આપી આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહીલ જે પેરોલ જામીનનો ભંગ કરી નાસી છૂટ્યો છે જે હજુ સુધી હાજર થયો નથી તેને તાત્કાલિક શોધી કાઢી ધરપકડ કરવાની માંગણી કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ, મુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં IPC કલમ 302 સહિતની ગંભીર કલમો હેઠળ કેસ ચાલી રહ્યો છે.

આ કેસમાં ગઢવી અરજણ ખેરાજ અને ગઢવી હરજોગ હરીના કથિત કસ્ટોડિયલ ડેથ મામલે આરોપી શક્તિસિંહ ગોહીલ સહિત અન્ય સામે સેશન કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. ફરીયાદીનો આક્ષેપ છે કે આરોપી શક્તિસિંહ ગોહીલને ગુજરાત હાઈકોર્ટ દ્વારા 30 જૂન, 2026ના રોજ સાત દિવસના ટૂંકાગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જામીન પૂર્ણ થયા બાદ 10 જુલાઈ, 2026ના રોજ ગાંધીધામના ગળપાદર જિલ્લા જેલમાં હાજર થવાનું હોવા છતાં તેઓ હાજર થયા નહોતા. અરજીમાં વધુમાં જણાવાયું છે કે જિલ્લા જેલ સત્તાધિકારીઓએ 11 જુલાઈ, 2026ના રોજ મુંદરા પોલીસ તેમજ સંબંધિત કોર્ટને આરોપી જેલમાં હાજર ન થયાની લેખિત જાણ પણ કરી હતી. ફરીયાદીએ રજૂઆતમાં આરોપ લગાવ્યો છે કે શક્તિસિંહ ગોહીલ અગાઉ પણ ગુનામાં લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને અગાઉ ટૂંકાગાળાના જામીન દરમિયાન પણ સમયસર જેલમાં હાજર થયા નહોતા. વધુમાં, આરોપી વિરુદ્ધ જેલમાં પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું અને જેલની શિસ્ત તથા સુરક્ષાના કારણોસર તેમને પાલારા ખાસ જેલમાંથી ગળપાદર જિલ્લા જેલમાં સ્થળાંતર કરવામાં આવ્યા હોવાનું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરીયાદીએ અરજીમાં આશંકા વ્યક્ત કરી છે કે આરોપી ફરાર હોવાથી કેસના ફરીયાદી અને મહત્વના સાક્ષીઓના જીવને જોખમ ઊભું થયું છે તેમજ આરોપી દેશ છોડીને ભાગી જવાની પણ શક્યતા નકારી શકાય નહીં. સાથે સાથે સાક્ષીઓને જીવની જોખમ હોવાનું પણ અરજદારોએ મૌખિક કહ્યું છે. આથી ફરીયાદીએ એ.એસ.પી. ગૌતમ વિવેકાનંદન સમક્ષ આવેદનપત્ર આપી સમગ્ર પોલીસ તંત્રને સતર્ક કરી આરોપીની તાત્કાલિક શોધખોળ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરીને ધરપકડ કરવાની માંગણી કરી છે.

અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા…
પ્રકાશિત નીતેશ ગોર ભુજ…

Related posts

મુન્દ્રા પોલીસ દ્વારા બાઇક ચોર પકડાયો

Kutch Kanoon And Crime

માંડવી ભાજપના વોર્ડ-4ના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો વાયરલ થતા ખળભળાટ…

Kutch Kanoon And Crime

કંડલા ઝુપડપટ્ટી વિસ્તારમાંથી લોકો હિજરત કરી જતા નિરાધાર બનેલ પશુઓની વહારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સંસ્થા આવી

Leave a comment