કચ્છ જીલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોના હોદેદારો આજે દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ (કંડલા)ના ચેરમેન શ્રી સુશીલ સિંહને મળ્યા હતા અને કચ્છના તમામ ટોલ રોડની બેધડક હાલત અંગે આવેદન પત્ર આપ્યું હતું. વર્ષોથી કચ્છના માર્ગોની ખરાબ હાલતને કારણે ટ્રાન્સપોર્ટરો તેમજ સામાન્ય મુસાફરોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કંડલા અને મુન્દ્રા પોર્ટ તરફ જતાં રાજમાર્ગો પર ખાડાઓને કારણે વાહનવ્યવહાર મુશ્કેલ બની ગયો છે, જેના કારણે પોર્ટની કામગીરી પર પણ સીધી અસર પડી રહી છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદેદારોએ જણાવ્યું હતું કે, દરરોજ હજારો ટ્રકો, કન્ટેનરો અને ટેન્કરો પોર્ટ તરફ આવતા હોય છે, પરંતુ રોડની બિસમાર હાલતને કારણે મુસાફરી લાંબી થવા ઉપરાંત વાહનોને વારંવાર નુકસાન થાય છે. પરિણામે માલ વહન મોંઘું પડી રહ્યું છે અને પોર્ટની કામગીરી પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. આ અંગે આજે ચેરમેન શ્રી સુશીલ સિંહ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. હોદેદારોએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જો તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો 10 સપ્ટેમ્બર 2025થી “No Road – No Toll” અભિયાન શરૂ કરવામાં આવશે. એટલે કે, રસ્તા સુધર્યા વગર ટોલ વસૂલાતને માન્યતા આપવામાં નહીં આવે. સાથે જ ટ્રાન્સપોર્ટરો હડતાળ પર જશે, જેનાથી પોર્ટને સીધી રીતે આર્થિક નુકસાન થશે. ચેરમેન સુશીલસિંહે ટ્રાન્સપોર્ટરોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેઓએ ખાતરી આપી હતી કે આ બાબતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી સાથે તાત્કાલિક વાતચીત કરીને નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે. તેમ છતાં ટ્રાન્સપોર્ટરોનો અડગ અભિગમ છે કે જો જમીન સ્તરે ફેરફાર નહીં જોવા મળે તો આંદોલન અચૂક થશે. આ હડતાલમાં ગાંધીધામ લોકલ ટ્રક ઓનર્સ એસોસિએશન, કચ્છ ડિસ્ટ્રીક્ટ ડમ્પર ઓનર્સ વેલ્ફેર એસોસિએશન–ગાંધીધામ, ધ ટેન્કર ઓનર એન્ડ ઓપરેટર્સ એસોસિએશન, કંડલા-મુંદ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન, કચ્છ ગાંધીધામ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રક ઓનર વેલ્ફેર ફાઉન્ડેશન–રતનાલ, ન્યુ જીજીટીએ એસોસિએશન–ગાંધીધામ, ટ્રાન્સપોર્ટ વેલ્ફેર ફાઉન્ડેશન ઓફ રાજસ્થાન તેમજ કચ્છ ડિસ્ટ્રીક્ટ ટ્રક ઓનર એસોસિએશન સક્રિય રીતે જોડાશે. હાલમાં કચ્છના માર્ગોની ખરાબ હાલત માત્ર ટ્રાન્સપોર્ટરોને જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોને પણ ભોગવવી પડી રહી છે. મોનસૂન દરમ્યાન રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ગયા છે અને અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી સ્થાનિકો તથા એસોસિએશનો તરફથી વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ મક્કમ પગલા લેવામાં આવ્યા નથી. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, પોર્ટ ભારતના આર્થિક વિકાસનું મહત્વનું કેન્દ્ર છે. કંડલા અને મુન્દ્રા પોર્ટ પરથી લાખો ટન માલ દેશ-વિદેશમાં મોકલવામાં આવે છે. જો પરિવહન વ્યવસ્થામાં વિક્ષેપ આવશે તો સીધું નુકસાન વેપાર જગતને અને અંતે દેશની અર્થવ્યવસ્થાને થશે. તેથી હવે આખો મુદ્દો કેન્દ્ર સરકારના તાત્કાલિક હસ્તક્ષેપ પર આધારિત છે. જો 10 સપ્ટેમ્બર પહેલાં રોડ રીપેરીંગ શરૂ નહીં થાય તો કચ્છમાંથી દેશવ્યાપી અસરકારક આંદોલન ઊભું થવાની પૂરી શક્યતા છે.
અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 98258422334
