સમગ્ર ચારણ ગઢવી સમાજમાં પ્રત્યાઘાત
મુન્દ્રા પોલીસે ઘરફોડ ચોરીની શંકામાં રાઉન્ડઅપ કરેલ સમાઘોઘાના અરજણ ખેતશી ગઢવી નામના યુવાનનું પોલીસ મથકમાં આજે સાંજે શંકાસ્પદ રીતે મોત નિપજતા પોલીસ બેડામાં હલચલ મચી ગઈ છે. બીજી તરફ વાયુવેગે આ સમાચાર વહેતા થતાં કચ્છી ચારણ ગઢવી સમાજમાં પણ ખળભળાટ સાથે તીવ્ર પ્રત્યાઘાત પડયા છે. અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજના પ્રમુખ અને રિટાયર પોલીસ અધિકારી એવા વી.કે. ગઢવી સહિતના ગઢવી સમાજના આગેવાનો મુન્દ્રા દોડી ગયા છે અને પોલીસ સામે ઉગ્ર રોષ વ્યક્ત કરીને આ યુવાનનું મોત થયા હોવાનું જણાવીને જવાબદારો સામે પગલા લેવાની માગણી કરી છે એટલું જ નહીં પરંતુ અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી અપાઇ છે આ અંગે અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજના અધ્યક્ષ તરીકે ગઢવી ચારણ સમાજ જોગ સંદેશો પણ જારી કર્યો છે. નોંધનીય છે કે પૂર્વ કચ્છમાં કીડાણા ખાતે શ્રી રામ નિધિ રથયાત્રા પ્રશ્ને થયેલી બબાલ બાદ આવતીકાલે ગાંધીધામ આદિપુરમાં બંધનું એલાન અપાયું છે. ત્યારે બીજી તરફ પશ્ચિમ કચ્છના મુન્દ્રા ખાતે પોલીસ લોકઅપમાં યુવાનના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર કચ્છની પોલીસને દોડતી કરી દીધી છે. નોંધનીય છે કે આ ઘટનાના પગલે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં લોખંડી બંદોબસ્ત ગોઠવીને પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે જેને સૂચક માનવામાં આવે છે.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334