પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની સહાયના હપ્તા જમા કરાવવા માટે લાંચની માંગણીનો આક્ષેપ..
ભુજમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ કાર્યવાહી કરવામાં આવી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મંજૂર થયેલા મકાનની સહાયના અલગ-અલગ હપ્તા જમા કરાવી આપવા બદલ રૂ. 4 હજારની લાંચ લેતા સમાજ કલ્યાણ વિભાગના બે કરાર આધારિત સમાજ કલ્યાણ નિરીક્ષકોને ACBની ટીમે ઝડપી પાડ્યા છે. ACBની વિગતો મુજબ, આ કેસમાં ફરિયાદી તરીકે એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, આવાસ યોજનાની મળવાપાત્ર સહાયના હપ્તા જમા કરાવી આપવા માટે આરોપી આસિફ મુસ્તફા કુરેશી (ઉં.વ. 28) તથા આરોપી કાનજી અરવિંદભાઈ ભટ્ટી (ઉં.વ. 32) દ્વારા રૂ. 4,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંચની રકમ આપવા ફરિયાદી ઇચ્છતા ન હોવાથી તેમણે ભુજ ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACB દ્વારા ફરિયાદના આધારે ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ ભુજ સ્થિત બહુમાળી ભવન ખાતે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ. 4,000ની લાંચ સ્વીકારી હોવાનું સામે આવતા ACBની ટીમે બંનેને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી લાંચની સંપૂર્ણ રૂ. 4,000ની રકમ રિકવર કરવામાં આવી છે. બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હોવાની વિગતો પણ ACB દ્વારા આપવામાં આવી છે. પકડાયેલા બંને આરોપીઓ સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, વિકસીત જાતિ, ભુજ-કચ્છ ખાતે સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ-સ્કોલરશીપ) તરીકે કરાર આધારિત ફરજ બજાવતા હોવાનું જણાવાયું છે. સમગ્ર ટ્રેપ કાર્યવાહી શ્રી જે.જે. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, ભુજ ACB પોલીસ સ્ટેશન તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
