કચ્છની જળ સરહદ મારફતે અંદાજે રૂપિયા ૫૭૫ કરોડનું હેરોઈન ભારતમાં ઘૂસાડવાના ત્રણ અલગ-અલગ કેસોમાં ભુજની ખાસ NDPS કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ૧૮ પાકિસ્તાની અને ૧ અફઘાની નાગરિક સહિત કુલ ૧૯ ડ્રગ્સ કેરિયર્સને ૨૦-૨૦ વર્ષની સખ્ત કેદ તથા પ્રત્યેકને રૂપિયા ૨ લાખનો દંડ ફટકાર્યો છે.
ત્રણે કેસોમાં ગુજરાત ATS દ્વારા બાતમીના આધારે જખૌ નજીક કચ્છની જળસીમામાં સફળ ઓપરેશન હાથ ધરી આરોપીઓને હેરોઈન સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
૨૦૨૦માં ૧૭૫ કરોડનું હેરોઈન ઝડપાયું હતું…
૬ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ ATSએ જખૌ નજીક દરિયામાંથી ફિશિંગ બોટમાં રૂપિયા ૧૭૫ કરોડનું હેરોઈન લઈને ભારતમાં ઘૂસણખોરી કરતા પાંચ પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડ્યા હતા. કેસ દરમિયાન એક આરોપીનું મૃત્યુ થતાં તેની સામેની કાર્યવાહી પડતી મુકાઈ હતી, જ્યારે બાકીના ચાર આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવી ૨૦ વર્ષની સજા ફટકારી.
૨૦૨૧માં ૧૫૦ કરોડના હેરોઈન સાથે ૮ પાકિસ્તાની ઝડપાયા..
૧૪ એપ્રિલ, ૨૦૨૧ના રોજ ATSએ જખૌ નજીક સમુદ્રમાંથી ૩૦ કિલો હેરોઈન કિંમત અંદાજે રૂપિયા ૧૫૦ કરોડ સાથે એક બોટ ઝડપી હતી. પાકિસ્તાનના હૈદરી પોર્ટથી હેરોઈન લાવનારા ૮ પાકિસ્તાની નાગરિકોને કોર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા સંભળાવી.
૨૦૨૨માં ૨૫૦ કરોડનું હેરોઈન, અફઘાનીની પણ સંડોવણી સામે આવી હતી…
૮ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ATSએ જખૌ નજીક રૂપિયા ૨૫૦ કરોડ કિંમતના ૫૦ કિલો હેરોઈન સાથે પાંચ પાકિસ્તાનીને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન એક અફઘાન નાગરિકની સંડોવણી સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં કુલ સાત આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા.
દરેક આરોપીને ૨૦ વર્ષની કેદ અને રૂપિયા ૨ લાખનો દંડ…
ત્રણે કેસોની સુનાવણી ભુજના ત્રીજા અધિક સેશન્સ જજ તથા ખાસ NDPS જજ વી.એ. બુદ્ધ સમક્ષ ચાલી હતી. કોર્ટે તમામ ૧૯ આરોપીઓને NDPS Actની કલમ 8(C) અને 23(C) હેઠળ દોષિત ઠેરવી ૨૦-૨૦ વર્ષની સખ્ત કેદ અને પ્રત્યેકને રૂપિયા ૨ લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે બંને કલમ હેઠળની સજા અલગ-અલગ ભોગવવાનો પણ હુકમ કર્યો છે.
‘નશાનો વેપાર દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો’…
ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે, ભારતના યુવાનોને નશાની લતમાં ધકેલવાનો પ્રયાસ માત્ર સામાન્ય ગુનો નથી, પરંતુ દેશના સામાજિક અને રાષ્ટ્રીય માળખાને નબળું પાડવાનું સુનિયોજિત ષડયંત્ર છે. આવા ગુનાઓ દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો ઉભો કરે છે અને આવા આરોપીઓ પ્રત્યે કોઈ નરમાઈ રાખી શકાય નહીં. ત્રણે કેસોમાં સરકાર પક્ષ તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ અસરકારક દલીલો રજૂ કરી હતી. નોંધનીય છે કે તપાસ દરમિયાન ઝડપાયેલા એક ભારતીય સહિત બે આરોપીઓને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
આ ગુનામાં ભુજની ખાસ NDPS કૉર્ટે ઈસ્માઈલ મોહમ્મદ જામ (ઉ.વ. ૫૦), અનીશ ઈશા ભાટી (ઉ.વ. ૩૦), અબુબકર હાસમ કુંગરા (ઉ.વ. ૭૦) અને અશર્રફ ઉસ્માન ભાટી (ઉ.વ. ૪૨)ને દોષી ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. એક આરોપીનું મૃત્યુ થતાં તેની સામેની ટ્રાયલ પડતી મૂકાઈ હતી.
આ ગુનામાં ભુજની ખાસ કૉર્ટે મુર્તજા યામીન સિંધી (ઉ.વ. ૩૫), યામીન ઉમર સિંધી (ઉ.વ. ૬૫), મુસ્તફા યામીન સિંધી (ઉ.વ. ૩૩), નસરુલ્લા યામીન સિંધી (ઉ.વ. ૨૮), હુસૈન ઈબ્રાહિમ સિંધી (ઉ.વ. ૬૨), સાલેમામદ અબ્દુલ્લા સિંધી (ઉ.વ. ૭૦), મહંમદ યાસિન મહંમદ ઉર્સ મલ્લા (ઉ.વ. ૩૯) અને રફીક આમદ ઉસ્માનઅલી મુલ્લા (ઉ.વ. ૬૨)ને ભુજ કૉર્ટે ૨૦ વર્ષના સખ્ત કારાવાસની સજા ફટકારી છે.
આ કેસમાં કોર્ટે અલી મોહમ્મદ બચ્ચન મલ્લા (૪૦), મમતાજ હારૂન મલ્લા (૩૦), શેર મોહમ્મદ બશરીયા બડ (૪૦), મોતીયા ઈદ્રીશ મલ્લા (૫૦), ઈબ્રાહિમ યુસુફ સમેજા (૬૮), ઝાહિદ અબ્દુલ્લા મલ્લા (૨૨) અને અફઘાનિસ્તાનના હેકમતુલ્લા નુરુલ્લાહની ધરપકડ કરેલી હતી અને તેઓને સજા ફટકારી છે…
પ્રકાશિત નિતેશ ગોર ભુજ
