Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુંદરામાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને અંતિમ શ્વાસ સુધીની સખત કેદ…

સ્પેશિયલ કોર્ટે બિહારી યુવાનને ફટકારી કડક સજા : 34 દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષીઓની જુબાનીના આધારે ચુકાદો…

મુંદરાના ભદ્રેશ્વર વિસ્તારમાં 6 વર્ષની સગીર બાળકીનું લાલચ આપીને અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી ગંભીર ઇજાઓ પહોંચાડવાના ચકચારી કેસમાં ભુજ કચ્છની નામદાર સ્પેશિયલ કોર્ટે આરોપીને કડક સજા ફટકારી છે. કોર્ટે આરોપી મનીષકુમાર ગનૌરી મંડલ (ઉંમર 26 વર્ષ, મૂળ બિહાર, હાલ ભદ્રેશ્વર લેબર કોલોની)ને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા તથા કુલ રૂ.1.50 લાખનો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, તા. 12 જાન્યુઆરી 2026ના રોજ મુંદરા નજીક લેબર કોલોનીમાં રહેતું ફરિયાદી દંપતી સવારે મજૂરી કામે ગયું હતું. દરમિયાન ઘરે એકલી રહેલી તેમની 6 વર્ષની બાળકીને લાલચ આપીને આરોપી મનીષકુમાર અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ રહેણાંક વિસ્તાર પાછળ આવેલી બાવળોની ઝાડીમાં લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે તેને ગંભીર શારીરિક તથા માનસિક ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે મુંદરા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તપાસનીસ અધિકારી એચ.એસ. ત્રિવેદી, પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જરૂરી પુરાવાઓ એકત્ર કરી આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કેસની સુનાવણી ભુજ કચ્છની નામદાર સ્પેશિયલ જજ એમ.એફ. ખત્રીની અદાલતમાં ચાલી હતી. પ્રોસીક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા તથા કાયદા સહાયક એડવોકેટ માલશ્રી ગઢવીએ રજૂઆત કરી હતી. સરકારી પક્ષે રજૂ કરાયેલા 34 દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે BNS તથા POCSO એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપીને અંતિમ શ્વાસ સુધીની સખત કેદ અને કુલ રૂ.1.50 લાખનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત BNS કલમ 137(2) હેઠળ 7 વર્ષની સખત કેદ અને રૂ.10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે ભોગ બનનાર બાળકી માટે રૂ.3 લાખનું વળતર ચૂકવવા DLSAને ભલામણ કરવાનો હુકમ કર્યો છે. તેમજ આરોપી પાસેથી વસૂલવામાં આવનાર દંડની રકમ પણ ભોગ બનનાર બાળકીને ચૂકવવા આદેશ કર્યો છે.

Related posts

કુકમાના મહિલા સરપંચ વતી તેમના પતિ સહિત ત્રણ ઈસમો રૂપિયા ચાર લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા

Kutch Kanoon And Crime

અબડાસાના મુઠીયાર ગામના ક્ષત્રિય પરિવારને રૂપિયા ૧ થી ૧૦ લાખની લાલચ સાથે ધર્મ પરિવર્તન કરવા અજ્ઞાત વ્યક્તિ દ્વારા પત્ર પાઠવાયો

Kutch Kanoon And Crime

રાષ્ટ્ર શ્રુજન અભિયાન કચ્છ જિલ્લાના હોદ્દેદારોનું રાજ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું

Kutch Kanoon And Crime

Leave a comment