અબડાસાના વાંકુ ગામના હત્યાના આરોપમાં આજીવન સજા ભોગવતા અને પેરોલ જમ્પ કરી ફરાર થયેલા યુવાન સહિત ત્રણેની ધરપકડ
ગઈકાલે સુરેન્દ્રનગરના શિવ સંગાથ હિલ્સ એપાર્ટમેન્ટમાં છેલ્લા દસ દિવસથી ભાડે રહેતા બિસ્નોઈ ગેંગના ત્રણ યુવાનોને MD ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધા હતા. ઝડપાયેલ ત્રણ યુવાનોમાં એક યુવાન અબડાસાના વાંકુ ગામનો અને હત્યાના ગુનામાં સજા દરમિયાન પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયેલ યુવાનનો પણ સમાવેશ થાય છે. આમ ગુજરાતમાં MD ડ્રગ્સના નેટવર્કના તાર છેક કચ્છના અબડાસાના વાંકુ સુધી પહોંચ્યા છે, જોકે પકડાયેલો યુવાન હત્યાના આરોપમાં રાજકોટ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. આ અંગેની મળતી સત્તાવાર વિગતો પ્રમાણે કુખ્યાત બિશ્નોઇ ગેંગના કેટલાક સભ્યો સુરેન્દ્રનગરમાં ડ્રગ્સનો કારોબાર કરતા હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ કારોબાર કરતા યુવાનો પર નજર રખાય હતી. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં આવેલ શિવ સંગાથ હિલ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 104’માં ભાડેથી રહેવા આવેલા ત્રણ યુવાનો શંકાના ડાયરામાં આવ્યા હતા. PGVCL’માં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીના માલિકીના આ ફ્લેટમાં રહેતા ત્રણ યુવાનો છેલ્લા દસેક દિવસથી અહી આવ્યાની અને શંકાસ્પદ ગતિવિધિ કરતા હોવાની બાતમીના પગલે જિલ્લા પોલીસવળા હરેશ દૂધાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB, PI, વી.વી. ત્રિવેદી અને SOG, PI, એસ.એમ. જાડેજા સહિતની ટીમે ગઈકાલે ફ્લેટ પર રેડ કરી ત્રણ યુવાનો અક્ષય રામકુમાર ડેલુ, અંકિત વિષ્ણુ રામ કાંકડ, અને વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજાને ઝડપી લઇ ફ્લેટની તલાસી લેવાતા 17.60 લાખની કિંમતના 176 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે સુરેન્દ્રનગર બી/ડિવિઝન પોલીસ મધ્યે ત્રણેય આરોપી યુવાનો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે પકડાયલ આરોપીઓમાં અક્ષય રામ કુમાર અને અંકિત વિષ્ણુરામ કાંકડ, બિશ્નોઇ ગેંગના સભ્યો છે અને તેમની સામે ખંડણી, ધાક-ધમકી સહિતના ગુનાઓ રાજસ્થાનના ગંગાનગર પોલીસ હદમાં નોંધાયેલા છે અને આ બંને આરોપી વોન્ટેડ છે તો ત્રીજો આરોપી વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજા અબડાસાના વાંકુ ગામનો છે અને વર્ષ 2017’માં વાડાપધ્ધર ગામ નજીક દિવાળીના સપરમાં દિવસે વરાડીયાના એક શખ્સની થયેલી હત્યાનો આરોપી છે, જેને સંબંધિત કેસમાં આજીવન કેદની સજા થયેલી છે અને તે રાજકોટ જેલમાં સજા કાપી રહ્યો હતો. આ દરમિયાન તે દસ દિવસના પેટ્રોલ પર છૂટ્યો હતો પરંતુ પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. નોંધનીય છે કે ઝાલાવાડ પંથકમાં MD ડ્રગ્સ ઝડપાયાનો આ પ્રથમ બનાવ છે. પોલીસે બિશ્નોઇ ગેંગના વોન્ટેડ આરોપીઓ અને ખૂન કેસમાં આજીવન સજા ભોગવતા અને પેરોલ જમ્પ કરી જનાર આરોપી વિક્રમસિંહ, એકબીજાના સંપર્કમાં કઈ રીતે આવ્યા તે તપાસ પણ હાથ ધરાય છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં ડ્રગ્સ નેટવર્કમાં સ્થાનિક કોઈ કડી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઇ છે.
પ્રકાશિત નિતેશ – 9825842334