પૂર્વ કચ્છ જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓને અટકાવવા અને આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત ભચાઉ પોલીસે મહત્વપૂર્ણ કામગીરી કરી ચોરી કે છળકપટથી મેળવેલ એલ્યુમીનીયમ વાયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ, પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા ખાસ પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે ભરત ચકુભાઈ આહિર અને જગમાલ બાબુભાઈ કોલી નામના શખ્સોએ ચોરી કે છળકપટથી મેળવેલ એલ્યુમીનીયમ વાયરનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ૪૫૫ કિલોગ્રામ જેટલો એલ્યુમીનીયમ વાયર કબ્જે કર્યો હતો. સાથે જ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો ગાડી નંબર GJ-12-CT-0231 પણ જપ્ત કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં ભરત ચકુભાઈ આહિર ઉંમર ૨૪ વર્ષ રહે. કરમરીયા, તા. ભચાઉ અને જગમાલ બાબુભાઈ કોલી ઉંમર ૨૨ વર્ષ રહે. સર્વોદય સોસાયટી, રબારીવાસ, ભચાઉ વાળાનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા કબ્જે કરાયેલા મુદ્દામાલમાં ૮૧ હજાર ૬૦૦ રૂપિયાનો એલ્યુમીનીયમ વાયર તેમજ અંદાજે ૩ લાખ રૂપિયાની બોલેરો ગાડી મળી કુલ ૩ લાખ ૮૧ હજાર ૯૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ધોરણસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ
પ્રકાશિત નિતેશ ગોર ભુજ
