ભુજ શહેરના કોડકી રોડ પર આવેલા શરદબાગમાં આજે સાંજના સમયે એક ચિંતાજનક ઘટના સામે આવી હતી. બાગમાં આવેલા એક ઝાડ પર અજાણ્યા વ્યક્તિએ ગળેફાંસો ખાઈ લેતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ભુજ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, આજે તા. 18/11/2026ના રોજ સાંજે આશરે 5:19 વાગ્યાના અરસામાં ભુજ એ ડિવિઝન પોલીસ તરફથી ભુજ ફાયર ટીમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે કોડકી રોડ પર આવેલા શરદબાગમાં એક ઝાડ પર અજાણ્યા વ્યક્તિએ ગળેફાંસો ખાધો છે. આ અંગે જાણ થતાં જ ભુજ ફાયર વિભાગની ટીમ કોઈપણ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમના જવાનોએ તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી ઝાડ પરથી વ્યક્તિને નીચે ઉતારી આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપ્યો હતો. આ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓમાં ડી.સી.ઓ. રવિરાજ ગઢવી, ફાયરમેન ઈમ્તિયાઝ સમા, મહેશભાઈ મહેશ્વરી, કરણભાઈ જોશી, સાહિલ પટ્ટણી, ઓમ રાજગોર, ધ્રુવ આહિર સહિતના અધિકારી કર્મચારીઓ આ કામગીરીમાં માનવજ્યોત સંસ્થાના સભ્યો પણ જોડાયા હતા. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળાં એકત્ર થયાં હતાં. જોકે, વ્યક્તિની ઓળખ અને ઘટના પાછળનું ચોક્કસ કારણ સહિતની વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
