પૂનમ પિંગલેશ્વર ગ્રુપ, ક્રિશિવ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળની બહેનોએ વડીલો તથા દિવ્યાંગો સાથે કરી નવરાત્રીની ઉજવણી, દાંડિયા ભેટ આપી નાસ્તો કરાવ્યો…
નવરાત્રી એટલે ભક્તિ, શક્તિ, શ્રદ્ધા અને આનંદનો પર્વ. સામાન્ય રીતે લોકો આ પર્વની ઉજવણી પોતાના પરિવારજનો અને સ્વજનો સાથે કરતા હોય છે, પરંતુ ભુજમાં કેટલીક સેવાભાવી મહિલાઓએ વડીલો અને માનસિક દિવ્યાંગોને પોતાના પરિવારનો હિસ્સો બનાવીને નવરાત્રીની ઉજવણી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભુજમાં પાલારા મહાદેવ નજીક આવેલી માનવ જ્યોત સંસ્થા અને વડીલોનો વિસામો ખાતે નવરાત્રી દરમિયાન દરરોજ અલગ-અલગ મહિલા મંડળોની બહેનો દ્વારા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવે છે. સંસ્થામાં વસવાટ કરતા વડીલો અને માનસિક દિવ્યાંગ સભ્યો સાથે ગરબે ઘૂમીને બહેનો તેમના જીવનમાં આનંદ અને ઉત્સાહનો રંગ ભરી રહી છે. આ સેવાભાવી પહેલ અંતર્ગત પૂનમ પિંગલેશ્વર ગ્રુપનાં મીરાબેન જેઠી, ક્રિશિવ ફાઉન્ડેશનનાં નયનાબેન ગૌસ્વામી અને પ્રેરણા મહિલા મંડળનાં વંદનાબેન ભાવસારના સહયોગથી મહિલા મંડળોની બહેનોએ સંસ્થામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બહેનોએ વડીલો અને દિવ્યાંગ સભ્યો સાથે રાસ-ગરબા રમીને તેમને પણ નવરાત્રીના ઉત્સવમાં સહભાગી બનાવ્યા હતા. મહિલા મંડળો દ્વારા વડીલો અને દિવ્યાંગ સભ્યોને દાંડિયા ભેટ આપવામાં આવ્યા હતા તેમજ સૌને નાસ્તો કરાવી આનંદની ક્ષણો વહેંચવામાં આવી હતી. ઢોલ અને શરણાઈના સૂર સાથે રાસ-ગરબાની રમઝટ જામતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બની ગયું હતું. પરિવારથી દૂર રહેતા વડીલો અને દિવ્યાંગોને પણ તહેવારની ખુશીઓમાં સહભાગી બનાવવાની આ પહેલ સાચા અર્થમાં માનવતાની મહેક પ્રસરાવનારી બની છે. મહિલા મંડળોની બહેનોએ માત્ર ગરબા રમીને જ નહીં, પરંતુ પ્રેમ, હૂંફ અને આત્મીયતા આપીને સાબિત કર્યું કે સેવા અને સંવેદનાની ભાવના જ સાચી શક્તિની ઉપાસના છે. આમ, માનવ જ્યોત સંસ્થામાં યોજાતો આ નવરાત્રી મહોત્સવ માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ વડીલો અને દિવ્યાંગોના જીવનમાં ખુશીઓનો દીપ પ્રગટાવતો અને સમાજને માનવતાનો સંદેશ આપતો અનોખો પ્રયાસ બની રહ્યો છે.
અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ
