૫૦’થી વધુ સ્ટોલમાં કચ્છની હસ્તકળા, ભરતકામ, જ્વેલરીથી લઈ ગૃહસુશોભનની વસ્તુઓનું આકર્ષણ…

દસ દિવસ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ અને ગરબા તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે…
ભુજ હાટ, રિલાયન્સ મોલ સામે ‘મેરા હુનર મેરી પહેચાન’ અંતર્ગત ક્રિશિવ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળના સહયોગથી હસ્તકલા અને મહિલા કૌશલ્યને ઉજાગર કરતો દસ દિવસીય મેળો યોજાયો છે. તારીખ ૨૦ સપ્ટેમ્બરના મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજ નગર પાલિકાના શ્રી કમલભાઈ ગઢવી, શ્રીમતી ભારતીબા સોઢા, કચ્છ જિલ્લા પંચાયના માજી પ્રમુખ શ્રીમતી પારુલબેન કારા, શ્રીમિતભાઈ ઠક્કર, શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર, શ્રી નજીરભાઈ રાયમાં, શ્રી જયંતભાઈ ઠક્કર, રૂપલબેન ચાવડા અને રચનાબેન શાહ સહિતના વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત ભુજના વિવિધ મહિલા મંડળોના પ્રમુખશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ક્રિશિવ ફાઉન્ડેશન અને પ્રેરણા મહિલા મંડળ દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા મહિલા મંડળોના પ્રમુખશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ આર્ટિઝન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન મળી રહે તે માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મેળામાં ૫૦’થી વધુ સ્ટોલ ઉભા કરાયા છે. જેમાં હસ્ત બનાવટની વિવિધ વસ્તુઓ, નવરાત્રીને અનુરૂપ પરિધાન, જ્વેલરી, કચ્છની આગવી ઓળખ સમાન ભરતકામના વસ્ત્રો, મડ વર્ક ફ્રેમ, હાથવણાટની વસ્તુઓ, ગૃહસુશોભનની સામગ્રી તેમજ બહેનો દ્વારા બનાવવામાં આવેલા નાસ્તા અને ફૂડ કાઉન્ટર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બાળકો માટે જ્યુસ, ચોકલેટ, ખાણીપીણીની વસ્તુઓ સાથે બોન્સી, ચકડોળ સહિતના મનોરંજનના સાધનો પણ રાખવામાં આવ્યા છે. ક્રિશિવ ફાઉન્ડેશનના નયનાબેન ગૌસ્વામી અને પ્રેરણા મહિલા મંડળના વંદનાબેન ભાવસારની અથાગ મહેનતથી મેળામાં નવી ઉર્જાનો સંચાર થયો છે. દસ દિવસ દરમિયાન અંતાક્ષરી, હાઉસી, વાનગી સ્પર્ધા, ગરબા સ્પર્ધા તેમજ ગરબા તાલીમ વર્ગોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહિલા કૌશલ્યને મંચ આપીને બહેનોને આત્મનિર્ભર બનાવવાની આ પહેલને સરાહનીય પ્રયાસ તરીકે આવકારવામાં આવી રહી છે. કાર્યક્રમના અંતે આભાર વિધિ નયનાબેન ગૌસ્વામી દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનો સંચાલન હેતલબેન ગૌસ્વામી અને કુંજલબેન ગૌસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ
