Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujarat

બનાસકાંઠાના કમાલપુરમાં સામાન્ય બોલાચાલી બાદ વૃદ્ધ પર હિચકારો હુમલો : સારવાર દરમિયાન મોત થતા અરેરાટી ફેલાઈ…

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કમાલપુર ગામે સામાન્ય બોલાચાલી બાદ થયેલા હુમલામાં મોમીન સમાજના વયોવૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં પાલનપુર તાલુકા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસે હુમલાના આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા જાહેર થયેલી માહિતી મુજબ, તા. 9 સપ્ટેમ્બર, 2026ના રોજ કમાલપુર ગામે સાંજના સમયે અબ્દુલ રહેમાન ઢુક્કા અને ગુલામભાઈ સુણસરા વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી અને ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જોકે, થોડા સમય બાદ ગુલામભાઈ સુણસરાનો પુત્ર કમરૂદ્દીન સુણસરા દોડી આવ્યો હતો અને ત્યાં ઉભેલા અબ્દુલ રહેમાન ઢુક્કાના મોઢા પર બે જોરદાર મુક્કા માર્યા હોવાનો આક્ષેપ છે. હુમલાના પગલે અબ્દુલ રહેમાન ગંભીર રીતે ઘાયલ થઈ બેભાન હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ તેમના પુત્ર અસલમભાઈ અબ્દુલ રહેમાન ઢુક્કાને થતાં તેઓ સગા-સંબંધીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ પિતાને વધુ સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તા. 10 સપ્ટેમ્બર, 2026ના રોજ અબ્દુલ રહેમાન ઢુક્કાની તબિયત લથડતાં તેમનું મૃત્યુ થયું હતું. બનાવને પગલે પરિવારજનો અને ગ્રામજનો પાલનપુર તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને હુમલો કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. દરમિયાન, મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ હુમલાના આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે અને પરિવારને ન્યાય મળે તેવી ન્યાયતંત્ર સમક્ષ માંગ કરી છે.

અહેવાલ પ્રતિનિધિ : આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા…

Related posts

જિલ્લા પ્રમુખ ભાવનાબેન રાજગોરના નેતૃત્વમાં કચ્છ જિલ્લા મહિલા કૉંગ્રેસ સમિતિની નિમણૂક કરવામાં આવી

Kutch Kanoon And Crime

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વિશ્વ યુવા સંમેલન યોજાયું

Kutch Kanoon And Crime

ભચાઉના શિકારપુર ઓનર કિલિંગ ખૂન કેસમાં આરોપીઓની જામીન અરજી નામંજૂર કરાવતા સરકારી વકીલ ડી.બી.જોગી અને હિતેન્દ્રસિંહ જાડેજા

Leave a comment